Connect Gujarat
ગુજરાત

સોમનાથ મહાદેવના સાનિધ્યે સોમપુરા તીર્થપુરોહિતોનો સામુહિક 1.11 કરોડ શ્રી રામ નામ મંત્ર લેખનનો સંકલ્પ...

પ્રથમ જ્યોતિલગ સોમનાથ અને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ઐતિહાસિક મહત્વ તેમજ સામ્યતા બન્ને ધરાવે છે.

X

સોમનાથ ખાતે સોમપુરા તીર્થપુરોહિતો દ્વારા સામુહિક લખાયેલા 1.11 કરોડ રામનામ ગ્રંથો અયોધ્યા શ્રી રામ મંદિરને અર્પણ કરવાનું ભવ્ય આયોજન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.

પ્રથમ જ્યોતિલગ સોમનાથ અને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ઐતિહાસિક મહત્વ તેમજ સામ્યતા બન્ને ધરાવે છે. સદીઓના ખંડન બાદ પુનઃ સર્જનની અદ્વિતીય ગાથા સોમનાથ અને અયોધ્યાના રામ મંદિરને એકાત્મના તાંતણે જોડે છે. સોમનાથની ભૂમિ પરથી જ શ્રીરામ મંદિર પુનઃ નિર્માણના સંકલ્પનો પ્રારંભ થયેલો, જ્યારે અયોધ્યા ખાતે શ્રીરામ મંદિર નિર્માણ પૂર્ણ થયે પ્રાણપ્રતિષ્ઠા થવાના આગામી પાવન પ્રસંગ પર સોમનાથ ખાતે ભક્તો દ્વારા લખાયેલા રામનામ ગ્રંથો અયોધ્યા અર્પણ કરવાનું આયોજન સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેને "સોમનાથથી અયોધ્યા શ્રી રામ નામ મંત્ર લેખન મહાયજ્ઞ" નામ આપવામાં આવ્યું છે.

જય શ્રી રામના નાદ સાથે આજે સોમપુરા તીર્થપુરોહિતો સોમનાથ સ્થિત રામમંદિર ખાતે પહોંચ્યા હતા, અને રામ નામ મંત્ર લેખન કરી મહાયજ્ઞમાં આહુતી અર્પણ કર્યાની અનુભૂતિ પ્રાપ્ત કરી હતી. સોમનાથ ટ્રસ્ટ ના ઇન્ચાર્જ જનરલ મેનેજર અજય દુબેના જણાવ્યા મુજબ, મંદિર ટ્રસ્ટ દ્વારા 1 કરોડ 11 લાખ રામનામ મંત્ર લેખનનો સંકલ્પ કરવામાં આવ્યો છે. સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ એવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌપ્રથમ પોતે રામ નામ લેખન સેવા કરીને આ મહાયજ્ઞાનો પ્રારંભ કરાવ્યો હતો. જેમાં સ્થાનિકો સહિત દેશ વિદેશમાંથી આવનારા ભક્તો, સાધુ સંતો, રાજકીય સામાજીક આગેવાનો સહિત સમાજના દરેક વર્ગના લોકો શ્રી રામ મંદિર ખાતે સભા મંડપમાં બેસીને શ્રી રામ નામ મંત્ર લેખન સેવા કરી અયોધ્યા શ્રી રામ મંદિર પુન: નિર્માણની ક્ષણના સાક્ષી બની રહ્યા છે. હાલ 40 દિવસમાં 85 લાખ રામ નામ મંત્રોનું લેખન સંપન્ન થયું છે.

Next Story