Connect Gujarat
ગુજરાત

અરવલ્લી : મેઘરજના ઉન્ડવા ગામે પીવાનું પાણી નહીં મળતા લોકો પરેશાન, ઉચ્ચારી ચૂંટણી બહિષ્કારની ચીમકી

પાણી માટે વહેલી સવારથી આખો દિવસ મહિલાઓને દર દર ભટકવું પડે છે

X

રાજસ્થાનની સરહદે આવેલ મેઘરજ તાલુકામાં પાણીની સમસ્યા

મેઘરજના ઉન્ડવા ગામના લોકોને ઘણા સમયથી પાણી સમસ્યા

ઉન્ડવાના ગ્રામજનોને પીવાના પાણી માટે મારવા પડે છે વલખાં

પીવાના પાણીની સમસ્યાને લઈને વારંવાર તંત્રને કરી રજૂઆત

સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ચૂંટણી બહિષ્કારની ચીમકી

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના પૂર્વપટ્ટી અને રાજસ્થાનની સરહદે આવેલ ઉન્ડવા ગામના ગ્રામજનોએ પીવાના પાણીની સમસ્યાને લઈને ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના અંતરિયાળ અને રાજસ્થાનની સરહદે આવેલ ઉન્ડવા ગામ 150 ઘરની વસ્તી ધરાવે છે.

અહી મોટાભાગના રહીશો મુખ્યત્વે ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે જોડાયેલ છે. આ બંને વ્યવસાય માટે પાણી મુખ્ય સ્ત્રોત છે, ત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી આ વિસ્તરમાં પાણીની સમસ્યા સર્જાય છે. પાણી માટે વહેલી સવારથી આખો દિવસ મહિલાઓને દર દર ભટકવું પડે છે. ગામના બે-ત્રણ શ્રેષ્ઠીઓ કે, જેમના બોરમાં કે, કુવે પાણી હોય એમના ત્યાંથી મહિલાઓ પીવાનું પાણી ભરે છે. આતો વાત થઈ માણસોની, પણ જે 2 ટાઈમ દૂધ આપે છે, અને પશુપાલકોની આજીવિકા નિભાવે છે, એવા નિર્દોષ પશુઓને પણ પીવાનું પાણી ક્યાંથી લાવવું તે એક વિકટ પ્રશ્ન છે.

જોકે, આ વર્ષે વરસાદ પણ ઓછો પડ્યો છે, એટલે ગામના તળાવ પણ ભરાયા નથી, અને સરકારની તળાવો ભરવાની જે યોજના છે, આ યોજનાના લાભ માટે ઉન્ડવા ગામની બાદબાકી થઈ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે, આજુબાજુના અન્ય ગામમાં પાઇપલાઇન દ્વારા તળાવો ભરાયા છે, પણ ઉન્ડવા ગામમાં પાણીની સુવિધા પહોંચી નથી.

જેના કારણે ગામની મહિલાઓ ધોમધખતા તડકામાં પાણી માટે વલખાં મારે છે. ગ્રામજનોએ અનેક વખત તંત્રમાં પાણી બાબતે રજુઆત કરી છે, પણ તંત્રના પેટનું પાણી નથી હાલતું. થોડા દિવસોમાં લોકસભાની ચૂંટણી છે, ત્યારે જો પાણીની સમસ્યા નહીં ઉકેલાય તો ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Next Story