સમગ્ર ભારતમાં પ્રથમ ચેન્નઈ બાદ બીજો બનાસકાંઠા પાલનપુરમાં થ્રી-લેગ એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે. જેના પાછળ રૂ. 89.10 કરોડનો ખર્ચ કરાયો છે. આ બ્રિજ જમીનથી 17 મીટર ઊંચો બનાવાયો છે. પાલનપુરની જી.પી.ચૌધરી કન્સ્ટ્રક્શન કંપનીએ દ્વારા આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર આરટીઓ સર્કલ ખાતે બનેલા આ એલિવેટેડ બ્રિજને ખુલ્લો મુકવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. વિશેષ ડિઝાઈનથી ખાસ તૈયાર કરેલ લા આ બ્રિજને ભાદરવી પૂનમ એટલે કે, 12 સપ્ટેમ્બરના રોજ લોકાર્પણ કરવામાં આવે તેવી તૈયારીઓ તંત્રએ હાથ ધરી છે. અમદાવાદ આબુરોડ નેશનલ હાઈવે પર વધતા ટ્રાફિકના કારણે આ સમસ્યાને દૂર કરવા માટે ખાસ ડિઝાઇનથી આ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એક તરફ આબુરોડ તો બીજી તરફ અંબાજી અને ત્રીજી તરફ અમદાવાદ તરફ જવા માટેના માર્ગ બનાવવામાં આવ્યા છે.
આ એલિવેટેડ બ્રિજની મજબૂતાઈની વાત કરવામાં આવે તો 16000 મેટ્રિક ટન સિમેન્ટ અને 3600 મેટ્રિક ટન લોખંડનો વપરાશ આ બ્રિજ બનાવવામા કરવામાં આવ્યો છે. આ બ્રિજ 951 મીટર લંબાઈના થ્રી-લેગમાં 79 પિલ્લર પર ઉભો કરાયો છે, તેમજ બ્રિજમાં 84 મીટરના ઘેરાવોનું સર્કલ સેલ્ફ પોઈન્ટ પણ તૈયાર કરવામાં આવ્યું છે. જોકે, આ પહેલા આ બ્રિજ દુર્ઘટનાના પગલે વિવાદમાં પણ આવ્યો હતો. થ્રી-લેગ એલિવેટેડ ઓવરબ્રિજની ક્રોસ ગર્ડરની કામગીરી દરમિયાન 11 મહિના પૂર્વે એજન્સીના 6 હેવી ગર્ડર તૂટી જતાં 2 યુવકો રિક્ષા નીચે દબાતા મોતને ભેટ્યા હતા. જોકે, અંતે કામ પૂર્ણ થયું અને હાલમાં આ બ્રિજ તૈયાર થતા હવે લોકો માટે ભાદરવી પૂનમે ખુલ્લો મુકવામાં આવશે તેવી તમામ તૈયારીઓ કરી દેવાઈ છે. આ એલીવેટેડ બ્રિજ બનીને તૈયાર થતા અમદાવાદ આબુરોડ નેશનલ હાઈવે પરની ટ્રાફિક સમસ્યા હળવી બનશે, તેમજ અંબાજી તરફ જતા વાહન ચાલકોને પણ મોટી રાહત થશે.