જામનગર શહેરના ઓસ્વાલ સેન્ટર ખાતે જાણીતા ભજનિક સ્વ. લક્ષ્મણ બારોટની પ્રાર્થના સભા યોજાય હતી. જેમાં ભજનિક સ્વ. લક્ષ્મણ બારોટના પરિજનો તેમજ તેઓના ચાહકો દ્વારા શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
ભજનોની દુનિયાના સમ્રાટ લક્ષ્મણ બારોટ ગુજરાત સહિત દેશ અને દુનિયામાં ભજન માટે જાણીતા હતા. ભજનોમાં પોતાના અનોખા અંદાજથી તેઓ દેશભરમાં લોકપ્રિય બન્યા હતા. મૂળ જામનગરના લક્ષ્મણ બારોટ અને તેમના પત્નીએ ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના કૃષ્ણપુરી ગામ ખાતે ભક્તિની ધૂણી ધખાવી હતી. ભજનિક લક્ષ્મણ બારોટે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. જોકે, લક્ષ્મણ બારોટના આકસ્મિક નિધનથી ધર્મ જગતમાં ભારે શોક વ્યાપી ગયો છે. જામનગરના ઓસ્વાલ સેન્ટરમાં પ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટની પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. જેમાં માત્ર જામનગર જ નહીં પણ જુનાગઢ, પોરબંદર, રાજકોટ અને અમદાવાદ સહિત અનેક જગ્યાઓએથી જાણીતા ભજનિકો તેમજ લક્ષ્મણ બારોટના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, સ્વ. લક્ષ્મણ બારોટ વર્ષો સુધી તેમના ભજનો થકી તેમના ચાહકોમાં જીવંત રહેશે. આ તકે ભજનિક સ્વ. લક્ષ્મણ બારોટના પરિવાર દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવનાર તમામ નામી અનામી ચાહકો તેમજ આગેવાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.