જામનગરમાં મહિલાનું ફેક આઈડી બનાવી સોશ્યલ મીડિયા પર મિત્રતા કર્યા બાદ ન્યૂડ વિડીયો કોલિંગ રેકોર્ડ કરી રૂપિયા 20 લાખ પડાવી લેનાર આરોપીની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે.
જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં એક ફરિયાદ દાખલ કરવામાં હતી. જેમાં અજાણ્યા નંબર પરથી વોટ્સએપમાં મેસેજ કરાયો હતો, જે નંબર પરથી મેસેજ આવ્યો તેના ડીપીમાં એક મહિલાનો ફોટો મુકવામાં આવ્યો હતો. તેથી ફરિયાદીએ વળતો મેસેજ કર્યા પછી સામેની વ્યક્તિએ મિત્રતા કેળવી હતી. ત્યારબાદ ફરિયાદીને વિડીયો કોલ કરવાનું કહી વિડીયો કોલમાં ન્યુડ વાત કરવાનું જણાવ્યુ હતું, અને આ કોલનું રેકોર્ડિંગ કરી લેવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરિયાદીને તેના વિડીયો કોલનું રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી હતી. એટલું જ નહીં, ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે 20 લાખ 98 હજાર રૂપિયાની રકમ પણ પચાવી હતી. આ દરમિયાન સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરાતા ટેકનિકલ એનાલિસિસ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સાયબર ક્રાઇમનું હબ ગણાતા હરિયાણાના મેવાત વિસ્તારમાં ડુંગરાળ તથા જંગલ વિસ્તારોમાં ફર્યા બાદ આરોપીના જુદા જુદા લોકેશન મળતા રહ્યા હતા. તે પછી સ્થાનિક પોલીસના સહયોગથી જામનગર સાયબર ક્રાઇમની ટુકડીએ મેસરદીન ઇબ્રાહિમ મેઉ નામના શખ્સને અટકાયતમાં લઈ જામનગર લાવ્યા બાદ તેની પૂછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન આરોપીએ ગુન્હાની કબૂલાત આપી હતી, ત્યારે હાલ તો આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.