જુનાગઢ શહેરની ખાનગી બેન્કના કર્મચારીએ ગ્રાહકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે આરોપી એવા બેન્ક કર્મચારીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
જુનાગઢ શહેરના રાજલક્ષ્મી રોડ પર આવેલ ખાનગી બેન્કના કર્મચારી રાજ મણિયારે બેન્કના જ ગ્રાહક સાથે રૂપિયા 15.25 લાખની છેતરપિંડી કરી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ચકચાર મચી જવા પામી હતી. જેમાં ફરીયાદી ગ્રાહકે બેન્ક કર્મચારી નયન સૌસાણી પાસે અલગ અલગ સમયે રૂપિયા 15.25 લાખની ફીક્સ ડિપોઝિટ જમા કરાવી હતી. જેમાં વ્યાજ સાથેની રકમ રૂ. 18.28 લાખ જેટલી થતી હતી. જોકે, આરોપી બેન્ક કર્મચારીએ ફરીયાદીના મોબાઈલમાંથી નેટ બેન્કિંગ મારફતે ફીક્સ ડિપોઝિટ તોડીને તે રકમ પોતાના એકાઉન્ટમાં જમા કરાવી દીધી હતી. એટલું જ નહીં, આરોપીએ બેન્ક એકાઉન્ટ મેન્ટેનન્સ ચાર્જ ભરવો ન પડે તેવું બહાનું બતાવીને ફરીયાદી ગ્રાહક પાસેથી સહીવાળો ચેક પણ મેળવી લીધો હતો. તો બીજી તરફ, ગ્રાહકે છેતરપિંડી આચારનાર બેન્ક કર્મચારી રાજ મણિયાર વિરૂધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી, ત્યારે ઉચાપત કરવાના મામલે પોલીસે બેન્ક કર્મચારી રાજ મણિયારની ધરપકડ છે. આરોપીએ છેલ્લા અઢી વર્ષમાં અલગ અલગ ખાતા ધારકોના ખાતામાંથી 83 લાખ રૂપિયાની ઉચાપત કરી હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ સાથે આરોપી રાજ મણિયાર દેવામાં આવી ગયો હોવાથી ઉચાપત કરતો હોવાની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી.