મહિલા દર્દીના મોતથી હોબાળો
પિત્તાશયની સારવાર દરમિયાન નીપજ્યું મોત
પરિવારજનોએ ડોક્ટરની બેદરકારીનો લગાવ્યો આરોપ
ડોક્ટર મુજબ છાતીમાં દુખાવા બાદ નીપજ્યું મોત
પરિવારે હોસ્પિટલ સામે યોગ્ય કાર્યવાહીની કરી માંગ
જૂનાગઢની શ્રીજી હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.પિતાશયની સારવાર માટે દાખલ થયેલી 25 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.મૃતક મહિલાના પરિવારે ડોક્ટર અને સ્ટાફની બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
મૃતક મનિષા વાઘેલાને પિતાશયમાં સોજાની તકલીફ હતી.4 માર્ચના રોજ બપોરે 2 વાગ્યે તેમને ઉલટી અને પેટનો દુખાવો શરૂ થયો હતો.તેમના નાડીના ધબકારા ઓછા અને બ્લડ પ્રેશર વધારે હોવાથી તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા.
મૃતકના સગા આશિષ વાઘેલાના જણાવ્યા અનુસાર રાત્રે વારંવાર સ્ટાફને તપાસ માટે બોલાવવા છતાં યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું ન હતું. દર્દીને છાતીમાં દુખાવો અને ઉલટીઓ થવા લાગી હતી.પરિવારના સભ્યોએ જણાવ્યું કે મનિષાને પિતાશય સિવાય અન્ય કોઈ બીમારી ન હતી.
હોસ્પિટલના ડો.કુલદીપ વાણવીએ જણાવ્યું કે સવારે 7 વાગ્યે દર્દીને છાતીનો દુખાવો થયો હતો. ફરજ પરના ડોક્ટરે સારવાર શરૂ કરી,પરંતુ હૃદય બંધ પડી જતા CPR આપવા છતાં મનિષાબેનનું મૃત્યુ થયું હતું.ડોક્ટરે જણાવ્યું કે બહુ ઓછા કેસોમાં આવી સાઈડ ઈફેક્ટ જોવા મળે છે. પરિવારજનોએ આ મામલે ફરિયાદ કરવાની તૈયારી બતાવી છે. હોસ્પિટલ સામે યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે.