ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાડી ગામનો બનાવ
સેવા સહકારી મંડળીમાં થઈ કરોડો રૂપિયાની ઉચાપત
ધરતીપુત્રો દ્વારા આક્ષેપ સાથે મચાવાયો હતો હોબાળો
કરોડો રૂપિયાની ઉચાપત મામલે પોલીસની કાર્યવાહી
મંડળીના 2 કર્મચારીની ધરપકડ કરી કાર્યવાહી કરાય
જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાડી ગામની સેવા સહકારી મંડળીમાં કરોડો રૂપિયાની ઉચાપતના મામલામાં ભેસાણ પોલીસે મંડળીના 2 કર્મચારીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢના ભેસાણ તાલુકાના જૂની ધારી ગુંદાડી ગામમાં સેવા સહકારી મંડળી ચાલી રહી છે. સેવા સહકારી મંડળીમાં રૂ. 6 કરોડની ઉચાપત થઈ હોવાનો ખેડૂતોએ આક્ષેપ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.
સમગ્ર મામલે ખેડૂતોએ વહીવટી તંત્રને આવેદન પત્ર આપી યોગ્ય તપાસ થાય તે માટે રજૂઆત કરી હતી. તો બીજી તરફ, જૂની ધારી ગુંદાડી સેવા સહકારી મંડળીમાંથી આરોપીઓએ એકબીજાની મિલીભગતથી હોદ્દાનો દુરુપયોગ કરી 40 જેટલા ખેડૂતો સભાસદોના મળવાપાત્ર ધીરાણ તેમજ 23 સભાસદ ખેડૂતોના શાખપત્ર મંજૂર ન થયા હોવા છતાં શાખપત્ર મંજૂર કર્યા વગર ખોટા હિસાબો તરીકે બેન્ક સમક્ષ રજૂ કરી રૂ. 2 કરોડ 56 લાખ 91 હજારની નાણાકીય ગેરરીતિ આચરી હોવાની ભેસાણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે મંડળીના મંત્રી રોહિત અમૃતલાલ તેમજ પૂર્વ પ્રમુખ ધીરુ ઠુમ્મરની ધરપકડ કરી હતી, જ્યારે ભેસાણ શાખાના મેનેજર રમેશ રામાણી હાલ જેલમાં છે, ત્યારે વર્તમાન પ્રમુખ રમેશ બાવીસીયાની પણ અટક કરવા પોલીસે તજવીજ હાથ ધરી હતી