/connect-gujarat/media/post_banners/147d31aab35333acc2b59fd1b0b371964009953af4a3f037175c67e7fb7b1a0a.jpg)
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ભાદર કાંઠે આવેલા તમામ ગામોમાં જમીન ધોવાણ અટકાવવા તેમજ ભાદર કાંઠો બાંધી કાયમી ધોરણે ઘેડ પંથકમાં સમાવવા માટે ગ્રામજનો દ્વારા મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ચીખલોદ્રા, દેશીન્ગા અને મરમઠ સહિતના 19 ગામો ભાદર કાંઠે આવેલા છે. ચોમાસામાં ભારે વરસાદ પડવાથી ભાદર નદીમાં ઘોડાપુર આવે છે. જેને કારણે આ ગામડાઓની જમીનમાં પાણી ઘૂસી જાય છે અને લાખો હેકટર પાકને પારાવાર નુકશાન થાય છે. તેમજ ઉપરવાસમાં આવેલા ડેમોમાંથી પણ છોડવામાં આવતું હોવાથી પાણી આ ખેતરને બરબાદ કરી નાખતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
ગત વર્ષ 2019, 2020 અને 2021માં ભારે વરસાદ અને પાણી ભરાવાના કારણે ભાદર કાંઠાનો ખૂબ જ નુકશાન થયું હતું. જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત ઘણા વર્ષોથી ભાદર ડેમનો પારો તૂટી ગયો છે, જેને રીપેરીંગ કરવામાં આવતો નથી. આ વર્ષે પણ નુકશાનના પગલે ચણા અને જીરું જેવા પાકોનું પણ ધોવાણ થઈ ગયું છે. હજી સુધી એકપણ રૂપિયાની સહાય ખેડૂતોને આપવામાં આવી નથી, ત્યારે જમીન ધોવાણ અટકાવવા માટે તાત્કાલિક ભાદર કાંઠે કોન્ક્રીટથી ભાદર કાંઠો બાંધવામાં આવે તેવી માંગ ઉઠી છે. જોકે, માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી તેમજ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.