લિસ્ટેડ બુટલેગર - ગુજસીટોકનો આરોપી વોન્ટેડ જાહેર
ટોળકીના અન્ય સાગરીતોની અગાઉ કરાય છે ધરપકડ
મુખ્ય આરોપી ધીરેન કારીયા પોલીસ પકડથી દૂર રહ્યો
પોલીસે ફરાર આરોપીના ફોટો સાથેના પોસ્ટર લગાવ્યા
30 દિવસમાં નહીં પકડાય તો મિલકત થઈ શકે છે જપ્ત
ગુજરાતના લિસ્ટેડ બુટલેગર અને સંગઠિત ગુનાહિત ટોળકીના મુખ્ય આરોપી ધીરેન કારીયાને જુનાગઢ પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. આ સાથે જ વિવિધ વિસ્તારોમાં આરોપીના ફોટો સાથેના પોસ્ટર લગાવી તેના વિષે માહિતી આપવા લોકોને અપીલ કરી છે.
જુનાગઢ શહેર સી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એપ્રિલ 2025માં ધીરેન કારીયા અને તેની ટોળકી વિરુદ્ધ ગુજસીટોક (GUCTOC) કાયદા હેઠળ ગંભીર ગુનો નોંધાયો હતો, ત્યારથી તે પોલીસ પકડથી સતત દૂર છે. જુનાગઢ ડીવાયએસપી હિતેશ ધાંધલીયાએ જણાવ્યું હતું કે, ધીરેન કારીયા અને તેની સંગઠિત ગુનાહિત ટોળકી આર્થિક ગુનાઓ સહિત મારામારી, ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવવા, એટ્રોસિટી અને પ્રોહિબિશન જેવા ગુનાઓમાં સંડોવાયેલી છે.
આ ઉપરાંત, આ ટોળકી દસ્તાવેજો સાથે ચેડાં કરવાના ગુનાઓ પણ આચરતી હતી, જેના વિરુદ્ધ એપ્રિલ 2025માં ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. આ ટોળકીના અન્ય સભ્યોની અગાઉ ધરપકડ કરીને તેમની વિરુદ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે, પરંતુ મુખ્ય આરોપી ધીરેન કારીયા છેલ્લા ઘણા સમયથી નાસતો ફરે છે, ત્યારે પોલીસે વોરંટ અંતર્ગત આરોપીને વોન્ટેડ જાહેર કરી જુનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોસ્ટરો લગાવ્યા છે.
પોલીસે આરોપીની માહિતી આપવા માટે લોકોને અપીલ કરી છે, અને માહિતી આપનાર વ્યક્તિનું નામ પણ ખાનગી રાખવાની ખાતરી આપી છે. જોકે, ફરાર જાહેરનામું ઇશ્યૂ થયા બાદ આરોપીને હાજર થવા માટે 30 દિવસનો સમયગાળો આપવામાં આવે છે. જો આ સમયગાળા દરમિયાન આરોપી મળી ન આવે, તો પોલીસ કોર્ટમાં રિપોર્ટ કરશે અને ત્યારબાદ કલમ-85 મુજબની કાર્યવાહી કરવામાં આવશે, જેમાં કોર્ટ દ્વારા આરોપી ધીરેન કારીયાની મિલકત જપ્ત કરવાનો હુકમ કરી શકાય છે.