ગરવા ગિરનારના જંગલમાં યોજાતી લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મનપા તંત્ર તેમજ વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ગરવા ગિરનારની ગોદમાં વર્ષમાં એક જ વાર યોજાય છે, ગિરનારની લીલી પરિક્રમા.. ગિરનારની લીલી પરિક્રમાને હવે ગણતરીના દિવસો જ બાકી છે. 36 કિમી અને 4 પડાવની લીલી પરિક્રમા કરવા દૂર દૂરથી શ્રદ્ધાનું ભાથું બાંધવા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ પરિક્રમા કરવા આવી પહોંચે છે, ત્યારે જુનાગઢ મહાનગરપાલિકા સહિત વન વિભાગ તેમજ અલગ અલગ વિભાગના તંત્રો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે યાત્રાળુઓ માટે રોડ-રસ્તા, પાણી તેમજ આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
તો બીજી તરફ, લીલી પરિક્રમા કરવા આવનાર શ્રદ્ધાળુને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વન વિભાગ પણ સજ્જ બન્યું છે. લીલી પરિક્રમા જંગલ વિસ્તારમાં યોજાય છે, એટલે ગિરનારની લીલી પરિક્રમા કહેવામાં આવે છે. ગિરનારના જંગલમાં 60થી વધુ સિંહ અને વન્ય પ્રાણીઓનો વસવાટ છે, ત્યારે આ પરિક્રમા દરમિયાન કોઈ ઘટના ન બને તે માટે વન્ય પ્રાણીઓ પર નજર રાખવામાં આવી રહી છે. આ પરિક્રમાના રૂટ પર વન વિભાગનો સ્ટાફ ખડેપગે તૈનાત રહેશે. અલગ અલગ જગ્યાએ રાવટીઓ તેમજ આરોગ્યને લગતી સેવાઓ મળી રહે તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઈટવા રૂટ પર વૃદ્ધ લોકોને ચાલવા માટે લાકડીઓનો ટેકો પણ આપવામાં આવશે. પરિક્રમાના રૂટ પર આવનાર યાત્રાળુઓ જંગલ વિસ્તારમાં જ્યાં ત્યાં કચરો ન ફેકે તે માટે ખાસ સુવિધાના ભાગરૂપે ડસ્ટબીન પણ રાખવામાં આવ્યા છે. આ સાથે જ અન્નક્ષેત્ર, ઉતારા મંડળ તેમજ અને સેવાભાવી સંસ્થાઓ માટે પરમીટ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે.