-
કેશોદ તાલુકાના ચર ગામમાં બન્યો હત્યાનો બનાવ
-
વાડી વિસ્તારમાં અજાણ્યાં શખ્સ દ્વારા કરાયો હુમલો
-
આધેડ ખેડૂતની હત્યાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી
-
આધેડ ખેડૂતના મૃતદેહ પર અસંખ્ય ઘા જોવા મળ્યા
-
આધેડની હત્યા મામલે પોલીસે કરી હત્યારાની ધરપકડ
જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામે વાડી વિસ્તારમાં આધેડ ખેડૂતની હત્યા કરનાર હત્યારાની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના ચર ગામ ખાતે રહેતા આધેડ ખેડૂત ખીમાણંદ બોરખતરિયા ગત તા. 12 જાન્યુઆરીના રોજ રાત્રીના સમયે મકાનની ઓસરીમાં સુતા હતા, જ્યારે તેઓની પુત્રવધુ ઘરમાં એકલા સુતા હતા, ત્યારે અજાણ્યાં શખ્સે મકાનનું બારણાનું બહારથી બંધ કરી આધેડ પર હુમલો કર્યો હતો.
જેમાં બોથડ પદાર્થ વડે માથા તેમજ શરીરના અન્ય ભાગે આડેધડ ઘા મારી આધેડની હત્યા નિપજાવી હતી. આધેડની હત્યાથી તેઓનો પરિવાર શોકમાં ગરકાવ થયો છે. બનાવના પગલે ગ્રામજનો ટોળે વળ્યા હતા. તો બીજી તરફ, બનાવના પગલે પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તપાસમાં જોડાયો હતો. મૃતદેહ પર નાના મોટા અસંખ્ય ઘા જોવા મળ્યા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.
સમગ્ર મામલે પોલીસે હત્યારા લીલાભાઈ ડાભીની ધરપકડ કરી લીધી છે. જેમાં આરોપી લીલાભાઈ ડાભીને મૃતકે ઠપકો આપ્યો હતો, જેનું મન દુઃખ રાખી હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી, ત્યારે હાલ તો પોલીસે હત્યારાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.