ભુજની એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ નિ:શુલ્ક ડાયાલીસિસ તથા આંખના ઓપરેશન સહિત અન્ય આરોગ્ય સેવા કચ્છવાસીઓને પ્રદાન કરીને ખરા અર્થમાં માનવતાની સેવામાં અગ્રેસર હોવાનું રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું.આજે લાયન્સ હોસ્પિટલ ખાતે ૩૬૬૫ વૃક્ષોથી બનેલા ઓક્સિજન પાર્ક તથા ૩૮માં ડાયાલીસિસ મશીનનું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ લોકાપર્ણ કર્યું હતું.
લાયન્સ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી ૧.૫૫ લાખ ડાયાલીસિસ તથા ૩૬ હજાર આંખના ઓપરેશન કરાયા છે તે સાથે પ્રકૃતિની સેવા કરવા ઓક્સિજન પાર્કનું નિમાર્ણ કરવામાં આવ્યું છે ત્યારે આ સેવાને બિરદાવતા રાજયપાલએ જણાવ્યું હતું કે, માનવજીવન સર્વોત્તમ છે જો કોઇપણ રોગ થાય તો સમગ્ર જીવન ખોરવાઇ જતું હોય છે તથા કિડની ફેઇલ થવા જેવી બિમારીમાં પરિવાર ખુંવાર થઇ જતો હોય છે ત્યારે લાયન્સ પરીવાર દ્વારા જે રીતે નિ:શુલ્ક સેવાકાર્યો કરાઇ રહ્યા છે તે કાબીલેદાદ છે. તેમણે લાયન્સના સૌ સભ્યો અન્યો માટે પ્રેરણાના સ્ત્રોત ગણાવીને હોસ્પિટલની સમગ્ર આરોગ્ય સુવિધા તથા સ્વચ્છતાને પણ બિરદાવી હતી.
આ પ્રસંગે તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જીવનનો હેતુ માનવતાની સેવા કરવાનો છે, ભારતીય સંસ્કૃતિ કર્મફલને માને છે ત્યારે સૌએ માનવી અને પ્રકૃતિ બંનેની સેવા કરવી જોઇએ. તેમણે લોકો બિમાર જ ન પડે તે માટે જીવનશૈલીમાં બદલાવ લાવવા તથા પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અનુરોધ કર્યો હતો. તેમણે આજના સમયમાં વધતા જતાં ગંભીર રોગ પાછળ અશુધ્ધ ખાન-પાન તથા જંકફુડની આદતને જવાબદાર ગણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, જો કોઇ વ્યકિત ૮૦ વર્ષ સુધી જીવે તો અઢી કરોડની કિંમતનો ઓકિસજનનો ઉપયોગ કરતો હોય છે.
કુદરતે માનવજાતને ઓક્સિજનની મફતમાં ભેટ આપી છે ત્યારે તેનું ઋણ અદા કરવા દરેક વ્યકિતએ પોતાના જન્મદિને કે અન્ય સારા પ્રસંગે એક વૃક્ષ જરૂર વાવવું જોઇએ તથા તેનો ઉછેર કરવો જોઇએ. હોસ્પિટલના કાર્યથી પ્રેરિત થઇને રાજયપાલશ્રીએ ૩૯મા ડાયાલિસીસ મશીનની ખરીદીમાં તેઓ નાણાકીય યોગદાન આપવાની જાહેરાત કરીને અન્ય દાતાઓને પણ આ સેવાયજ્ઞમાં સહયોગ આપવા અપીલ કરી હતી. આજના કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા,ભુજ નગરપાલિકા ઉપપ્રમુખ રેશમાબેન ઝવેરી, લાયન્સ કલબના સભ્યો શૈલેન્દ્ર રાવલ, ડો.મુકેશ ચંદે, કમલેશ સંઘવી, ભરત મહેતા, મીનાબેન મહેતા, પ્રવિણભાઇ ખોખાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.