ચોથા સ્ટેજ ના વોકલ કોર્ડના કેન્સર જેવી ગંભીર બીમારીને મહાત આપી પ્રાકૃતિક ખેતી તરફ વળનાર કપડવંજના આંબલીયારા ગામના ૪૩ વર્ષીય યુવા ખેડૂતે ખેતરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તડબુચ અને શક્કરટેટીની ખેતીની શરૂઆત કરી છે. ચોથા સ્ટેજ ના વોકલ કોર્ડના કેન્સર જેવી ગંભીર બીમારી ને માત આપી પ્રાકૃતિક ખેતી તરફ વળનાર કપડવંજના આંબલીયારા ગામના ૪૩ વર્ષીય યુવા તુષારભાઈ ગોરધનભાઈ પટેલ કેન્સર પિડિતો અને ખેડુતો માટે મિશાલ બન્યા છે.
તુષારભાઈ આ વર્ષે મીરાપુર ગામ ખાતે ભાડે રાખેલી જમીનના ખેતરમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તડબુચ અને શક્કરટેટીની ખેતીની શરૂઆત કરી છે.તુષાર પટેલને ચોથા સ્ટેજનું કેન્સર હતું. તેઓ એક વર્ષ બાદ કેન્સરની સારવારમાંથી બહાર આવ્યા ત્યારે ઓપરેશન કર્યા બાદ શરીરમાં ઘણા ફેરફાર થયા હતા.જેમ કે હવે તેમનું નાક બંધ કરી દેવામાં આવ્યું હતું અને શ્વાસ લેવા માટે ગળાના ભાગે એક કાણુ પાડ્યુ હતું.
તેમને હવે કોઈપણ જાતની સ્મેલ પણ આવતી નથી અને સ્વરપેટી કાઢી નાખી હોવાથી બોલવા માટે મશીન વાપરવું પડે છે.આ તમામ શારીરિક, માનસિક અવરોધોને અવગણીને તુષારભાઈ પુરા આત્મવિશ્વાસથી જ તેમના પિતા અને ભાઈની મદદથી તડબુચ અને શક્કર ટેટીની પ્રાકૃતિક ખેતી શરૂ કરી છે.તુષારભાઈ ઇન્ટરનેટની મદદથી પ્રાકૃતિક ખેતીના વિડિયો જોઈ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના પુસ્તક“પ્રાકૃતિક કૃષિ” માંથી પ્રાકૃતિક ખેતી ની પ્રેરણા મેળવી છે.