/connect-gujarat/media/post_banners/5f2b1819252686bbaff0d57f79b492ce78a40cb881444fbffb7961df27deefe8.webp)
ખેડા જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેની મુખ્ય ઉપસ્થિતિમાં ડો. આંબેડકર હોલ નડિયાદ ખાતે “સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળો યોજાયો. જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણીએ કિશોરી મેળાની મુલાકાત લઈ કિશોરીઓ માટે ભેદભાવ રહિત સમાજ નિર્માણ કરવાના સિગનેચર કેમ્પેઈનમાં હસ્તાક્ષર કર્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અને નડિયાદ નગરપાલિકા પ્રમુખે કિશોરી મેળાની મુલાકાત લીધી હતી. આ મેળામાં કિશોરીઓને શિક્ષણ, આરોગ્ય, રોજગાર, બચત, સુરક્ષા, કાનુની સહાય સહિતના સ્ત્રીસશક્તિકરણના પાયાના મુદ્દાઓની માહિતિ આપવામાં આવી. સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાનની “કિશોરી કુશળ બનો”ની થીમ હેઠળ જિલ્લા આઈ.સી.ડી.એસ વિભાગ અને મહિલા અને બાળ અધિકારી કચેરીના સંયુક્ત ઉપક્રમે નડીયાદ ખાતે યોજાયેલા સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન” મેળામાં જિલ્લા વિકાસ અધિકારી મેહુલ દવેએ જણાવ્યુ કે, નારી એ વ્યક્તિ, કુટુંબ, સમાજ કે રાષ્ટ્રના ઉત્થાનમાં હમેશાથી કેન્દ્ર-સ્થાને રહેલી છે. ભારતના ખમીરવંત નારી-ઈતિહાસથી પરિચય કરાવતા મેહુલ દવેએ ઉપસ્થિત સૌને સકારાત્મક બાબતો તરફ જાગૃતિ કેળવવા અને સમગ્ર દેશ અને દુનિયામાં નારી તુ નારાયણીનો ઉદઘોષ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે વાલીઓને બાળકોમાં નાનપણથી જ શુભ વિચાર અને આચારણના સંસ્કારો આપવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ તમામ કિશોરીઓને આગામી દિવસોમાં તેજસ્વી કારકીર્દી માટે શુભેચ્છા આપવામાં આવી હતી.