/connect-gujarat/media/post_banners/0ece92cf915ef243d21464fee51af546c3321f8f3479d647d90851fd8ce7eafb.jpg)
સ્ત્રી એક શક્તિ છે. આ શક્તિને પ્રોત્સાહન મળે તો કેવા ચમત્કારિક પરિણામો સર્જાય તેનું ઉદાહરણ છે સ્વંયસિદ્ધા પ્રોજેક્ટ. ખેડા જિલ્લા પોલીસની પહેલથી મહિલાઓમાં સામાજિક પરિવર્તન લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ છે ખેડા જિલ્લાના મહેમદાવાદના સરદારનગર વિસ્તારમાં આવેલ ‘સ્વંયસિદ્ધા’ કેન્દ્ર. એક સમયે અસામાજિક પ્રવૃતિમાં સંકળાયેલ મહિલાઓને આ કેન્દ્ર થકી આત્મનિર્ભર બનવા તરફની નવી રાહ મળી છે. અહીં 100થી વધુ બહેનોને બ્યુટી વેલનેસ અને સિવણકામની કૌશલ્યલક્ષી તાલીમ આપી આત્મનિર્ભર બનાવવામાં આવી રહી છે. આ ઉપરાંત મહિલાઓના બાળકોને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટે કે.જી.થી ધોરણ 10 સુધીના ખાસ શૈક્ષણિક વર્ગો ચલાવવામાં આવે છે.
જોકે, અહી અનેક બહેનો તાલીમ લઈને સ્વરોજગાર મેળવી પગભર થઈ રહી છે. આ પ્રોજેક્ટ થકી સ્વરોજગાર, સામાજિક સૌહાર્દ અને છેવાડાના બાળક સુધી શિક્ષણ લઈ જતો ત્રિસ્તરીય વિકાસ કરવાનો આશય છે. આમ, ખેડા જિલ્લા પોલીસ અને ‘વિન્ગ્સ ટુ ફ્લાય–ફાઉન્ડેશન’ દ્વારા સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું આ અનેરુ અભિયાન કરાયું છે, જેના થકી મહિલાઓની આવતી કાલ વધુ બહેતર બનશે.