ખેડા જિલ્લાના નડીયાદ એકેડેમીની મહિલા ખેલાડીઓએ ૩૬મી નેશનલ ગેમ્સમાં ઉજ્જવળ દેખાવ કરી જિલ્લા સહિત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. જેમાં કુમારી હિના ખલીફાએ સિલ્વર મેડલ અને કુમારી અમિતા રાઠવાએ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
૩૬મી નેશનલ ગેમ્સ ચેમ્પિયનશિપમાં ખેડા જિલ્લાના નડિયાદ એકેડેમીના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી નડીયાદ એકેડેમી, નડિયાદ શહેર તથા સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધારેલ છે. મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે યોજાયેલ નેશનલ ગેમ્સ ચેમ્પિયનશિપમાં નડીયાદ કુસ્તી એકેડેમીની ખેલાડી કુમારી હિના ખલીફાએ સિલ્વર મેડલ મેળવ્યો છે. સંસ્કારધામ અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ ગેમ્સ આર્ચરી રમતમાં નડીયાદ એકેડેમીની ખેલાડી કુમારી અમિતા રાઠવાએ ઇન્ડીવિઝ્યુલ આર્ચરી રમતમાં સિલ્વર તથા ઇન્ડિયન રાઉન્ડ વુમન્સ ટીમમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. ઉપરાંત રીકર્વ રાઉન્ડ વુમન્સ ટીમ આર્ચરી રમતમાં કુમારી પ્રેમિલા બારિયા, સુસ્મિતા પટેલ તથા નડીયાદ એકેડેમી ખાતે તાલીમ મેળવી રહેલ સીમા વર્માએ બ્રોન્ઝ મેડલ મેળવતા સમગ્ર નડીયાદવાસીઓમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે.