કચ્છ : જુઓ, દિલ્હીના શાળા મોડેલને ટક્કર આપે તેવી સરહદી વિસ્તારની એક અનોખી શાળા..!

સરહદી વિસ્તાર કચ્છમાં શિક્ષણ ક્ષેત્રે થઈ રહી છે પ્રગતિ, માંડવી તાલુકાના ગોધરાની પ્રા.શાળા બની ખૂબ અનોખી.

New Update
કચ્છ : જુઓ, દિલ્હીના શાળા મોડેલને ટક્કર આપે તેવી સરહદી વિસ્તારની એક અનોખી શાળા..!

સરહદી વિસ્તાર કચ્છનું નામ સાંભળો તો આપણને દૂર દૂર સુધી રણ અને માલધારીઓની યાદ આવે, ત્યારે શિક્ષણના મુદ્દે કચ્છને હજી પણ પછાત ગણવામાં આવે છે. જોકે, સરહદી વિસ્તાર કચ્છમાં પણ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ થઈ રહી છે. મહાનગરો અને અન્ય રાજ્યોમાં પણ ન હોય તેવી શાળા કચ્છના માંડવી તાલુકામાં આવેલી છે. જુઓ અમારો વિશેષ અહેવાલ... "એક અનોખી શાળા"

માંડવી તાલુકાના નાનકડા ગોધરા ગામની પ્રાથમિક શાળાનું નામ બી.કે.ભેદા પ્રાથમિક શાળા છે. સામાન્ય રીતે સરકાર દ્વારા વર્ષમાં કોઈ એક શાળા પસંદ કરી તેને બાલા પ્રોજેક્ટ હેઠળ સમાવી શાળાનો વિકાસ કરવામાં આવતો હોય છે. પરંતુ આ કિસ્સામાં સરકારની મદદ વગર દાતાઓના સહકારથી નવી શાળા બનાવાય છે, જેને આધુનિક શાળા કહી શકાય તેમ છે. ગોધરા પ્રાથમિક શાળામાં પર્યાવરણ નર્સરી અને ઘાસથી આચ્છાદિત મેદાન તેમજ ઘટાદાર વૃક્ષો હરિયાળી પ્રકૃતિનો માહોલ ઉભો કરે છે. શાળામાં પ્રવેશતા જ દીવાલો સાદિ નહીં પણ રંગબેરંગી જોવા મળે છે.

શાળાના પગથિયામાં પાળા, દીવાલો પર ભાતભાતના કાર્ટૂન અને અંતરીક્ષના ચિત્રો દોરવામાં આવ્યા છે. મહાન વ્યક્તિઓના સુવિચાર અને તસ્વીર બાળકોને પ્રેરણા આપે છે. ભારત દેશની માહિતી, ગુજરાતનો નક્શો, રોડ રસ્તાની માહિતી, ટ્રાફિક સિગ્નલ અને રોડ પર મુકવામાં આવતા ચિહ્નનોની નિશાની, એબીસીડી તેમજ કલાત્મક ચિત્રોએ શાળાને જીવંત બનાવી દીધી છે. હાલમાં આ શાળા કોરોના મહામારીના કારણે બંધ રાખવામાં આવી છે. પરંતુ આ શાળામાં આવ્યા બાદ બહાર પગ મુકવાનું મન થતું નથી. પ્રકૃતિ ભર્યો માહોલ, ચોતરફ હરિયાળી અને રંગબેરંગી દીવાલો તેમજ કલાતમક ચિત્રોથી આ શાળા સજીવન થઈ ચૂકી છે.

આવી શાળા દરેક સ્થળોએ હોય તો વિદ્યાર્થીઓ પોતાના ઘરને પણ ભૂલી જાય. હાલમાં જ્યારે દિલ્લીના શાળા મોડેલની ચર્ચા થઈ રહી છે, તેવામાં કચ્છની આ શાળા દિલ્લીની શાળાને પણ ટક્કર મારે તેમ છે.

Latest Stories