Connect Gujarat
ગુજરાત

કચ્છ : શિયાળાની ઠંડીમાં શરીરને ગરમાહટ આપતા અડદિયાની માંગમાં થયો વધારો...

શિયાળાની ઋતુમાં સારા સ્વાસ્થ્ય માટે સૌકોઈ અડદિયા આરોગતા હોય છે. આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ માનવામાં આવે છે

X

શિયાળાની ઋતુમાં સારા સ્વાસ્થ્ય માટે સૌકોઈ અડદિયા આરોગતા હોય છે. આયુર્વેદમાં અડદને ગરમ પ્રકૃતિનું કઠોળ માનવામાં આવે છે, ત્યારે કચ્છ જીલ્લામાં શિયાળાની શરૂઆત થતાં જ લોકો અડદીયા આરોગવાનું શરૂ કરે છે.

કચ્છના સ્પેશિયલ અડદિયા શિયાળાની ઠંડીમાં ખાસ કરીને શરીરને ગરમાહટ આપે છે. અડદિયા બનાવવા માટે અડદનો લોટ, ખાંડ, દેશી ઘી, ગુંદ, દૂધ, કાજુ, બદામ, પિસ્તા, કીસમીસ, એલચી, લવિંગ, તજ, સૂંઠ જેવા મસાલાઓનો ઉપયોગ થતો હોય છે. અડદિયા ગરમ મસાલાથી ભરપૂર હોય છે. કચ્છમાં શિયાળાની ફુલ ગુલાબી ઠંડીના કારણે લોકો થીજી ગયા છે. પરંતુ આવી ઠંડીમાં સ્વાસ્થ્યને તંદુરસ્ત બનાવવા માટે કચ્છના પ્રખ્યાત અડદિયાની માંગ વધી ગઈ છે. કોરોના વચ્ચે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ અડદીયા ઉપયોગી છે. દિવાળીનો તહેવાર સમાપ્ત થાય એટલે કચ્છમાં મીઠાઈના વેપારીઓ અડદિયા બનાવવાની શરૂઆત કરે છે. હાલના ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં કચ્છમાં કડકડતી ઠંડી પડતી હોય છે, જેના કારણે અડદિયાની માંગ પણ વધી છે. અડદિયાના એક કિલોના ભાવ રૂપિયા 400થી લઈને 800 સુધીના હોય છે. જોકે, કોરોના મહામારી વચ્ચે પણ અડદિયાની માંગ જળવાયેલી છે, ત્યારે ભુજ, અંજાર, આદિપુર, ગાંધીધામ, ભચાઉ, રાપર, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, નલિયા અને દયાપરની બજારમાં આવેલી મીઠાઈની દુકાનોમાં અડદિયાની માંગમાં વધારો થયો છે.

Next Story