Connect Gujarat
ગુજરાત

કચ્છ : માવઠાની આગાહી વચ્ચે મહામૂલો પાક બચાવવા ખેડૂતોની જહેમત, પાકના ફરતે પ્લાસ્ટિક લપેટવાનો વારો..!

X

રાપર સહિતના તાલુકામાં જામ્યો છે વરસાદી માહોલ

ક્યાક ઝરમર વરસાદ આવ્યો, ક્યાક ઝાપટાંરૂપે માવઠું

મહામૂલો પાક બચાવવા પાક ફરતે પ્લાસ્ટિક લપેટાયું

ક્ચ્છ જિલ્લાના રાપર સહિતના તાલુકામાં વરસાદી માહોલ વચ્ચે ઝરમર વરસાદ તો ક્યાંક ઝાપટાંરૂપે માવઠું આવતા ખેતીમાં નુકશાન જવાની ભીતિ સાથે ખેડૂતોના લલાટે ચિંતાની લકીરો જોવા મળી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી દિવસોમાં કચ્છ જિલ્લામાં કમોસમી વરસાદ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકાના વાતાવરણમાં વરસાદી માહોલ સર્જાયો હતો. તો બીજી તરફ, તાલુકા મથકે ઝરમર વરસાદ પણ વરસ્યો હતો. સમગ્ર વાગડ વિસ્તારમાં વરસાદી માહોલ વચ્ચે ક્યાંક ઝરમર વરસાદ, તો ક્યાંક ધીમી ધારે ઝાપટાંરૂપે વરસાદ થયો છે. રાપર તાલુકામાં કમોસમી વરસાદના લીધે જીરુ, એરંડા રાયડા વરીયાળી દાડમ કપાસ ઇસબગુલ, ઘઉં સહિતના તૈયાર શિયાળુ પાકને નુકસાન થવાની શક્યતા વર્તાય રહી છે, ત્યારે ખેડૂતોએ પોતાનો મહામૂલો પાક બચાવવા પાકની ફરતે પ્લાસ્ટિક લપેટવાનો વારો આવ્યો છે. રાપરના માજી સરપંચ કરમશી વૈધએ જણાવ્યું હતું, સરકાર દ્વારા કમોસમી વરસાદમાં થયેલ નુકશાન અંગેનો સર્વે હાથ ધરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેને 4-5 દિવસ થવા આવ્યા, પરંતુ હજુ સુધી એક પણ ખેડૂતને ત્યાં સર્વે હાથ ધરવામાં આવ્યો નથી. તો આ અંગે તાત્કાલિક અસરથી પરિપત્રનો અમલ કરવા માટે તજવીજ હાથ ધરાય તેવી માંગણી કરી છે.

Next Story