Connect Gujarat
ગુજરાત

કચ્છ : ઈરાની બોટમાંથી રૂ. 425 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશન...

કચ્છ : ઈરાની બોટમાંથી રૂ. 425 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSનું સંયુક્ત ઓપરેશન...
X

ભારતીય કોસ્ટ ગાર્ડ (ICG) અને ગુજરાત ATS દ્વારા ગુપ્ત માહિતીના આધારે, ભારતીય જળસીમામાં 05 ક્રૂ સાથે એક ઈરાની બોટને 61 કિલો હેરોઈન સાથે ઝડપી લેવામાં આવી છે.

ગત તા. 6 માર્ચ 2023ના રોજ, ગુજરાત ATS દ્વારા ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ICGએ વ્યૂહાત્મક રીતે તેના 2 ફાસ્ટ પેટ્રોલ વર્ગના જહાજો, ICGS મીરા બેહન અને ICGS અભિકને અરબી સમુદ્રમાં પેટ્રોલિંગ માટે તૈનાત કર્યા હતા, ત્યારે સુરક્ષા એજન્સીને અંધારા દરમિયાન, ભારતીય જળસીમામાં એક બોટ શંકાસ્પદ રીતે ફરતી જોવા મળી હતી. જેને ઓખા કિનારેથી 340 કિમી (190 માઇલ) દૂર ICG જહાજો દ્વારા પડકારવામાં આવતા, આ હોડીએ દાવપેચ શરૂ કરી નાસવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ બોટનો પીછો કરવામાં આવ્યો હતો, અને ICG જહાજો દ્વારા તેને રોકવાની ફરજ પડાઈ હતી. આ બોટ ઈરાની બોટ હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ઈરાની નાગરિકતાના 5 ક્રૂ મેમ્બર હતા. ICG બોર્ડિંગ ટીમ દ્વારા તપાસ દરમિયાન, ક્રૂ શંકાસ્પદ વર્તન કરતા હોવાનું જણાયું હતું. વ્યાપક તપાસમાં બોટમાંથી અંદાજે રૂ. 425 કરોડની કિંમતનો 61 કિલો માદક પદાર્થ મળી આવ્યો હતો. બોટ અને ક્રૂ મેમ્બર્સની ધરપકડ કરવામાં આવી છે, અને વધુ તપાસ માટે તેને ઓખા લાવવામાં આવી રહી છે. જોકે, છેલ્લા 18 મહિનામાં, ICGએ ATS સાથેના સંકલનમાં 8 વિદેશી જહાજોને પકડી લીધા છે, અને 407 કિલોગ્રામ માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો છે. જેની કિંમત રૂ. 2355.00 કરોડ જેટલી આકવામાં આવી રહી છે.

Next Story