Connect Gujarat
ગુજરાત

કચ્છ : જીવદયા પ્રેમીએ બનાવ્યું અનોખું "કેટ હાઉસ", ગાંધી ધામવાસીઓમાં જમાવ્યું આકર્ષણ

200 જેટલી બિલાડીઓ તેમજ 6 જેટલા શ્વાનને પાળ્યા છે. આમ તો વર્ષ 2015થી તેઓએ બિલાડી પાળવાનું શરુ કર્યું હતું

X

કચ્છ જિલ્લાના ગાંધીધામમાં રહેતા જીવદયા પ્રેમીએ પોતાના ઘરમાં અનોખું કેટ હાઉસ બનાવ્યું છે. જેમાં 200 જેટલી બિલાડીઓ તેમજ 6 જેટલા શ્વાનને પાળ્યા છે. આમ તો વર્ષ 2015થી તેઓએ બિલાડી પાળવાનું શરુ કર્યું હતું. પરંતુ ધીમે ધીમે બિલાડીની સંખ્યા વધતા 2017માં તેમણે પોતાના ઘરની બાજુમાં જ 500 ચોરસ યાર્ડના પ્લોટમાં બિલાડીઓ માટે કેટ હાઉસ બનાવ્યું હતું, ત્યારે હાલ તો આ કેટ હાઉસ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

ગાંધીધામમાં રહેતા જીવદયા પ્રેમી ઉપેન્દ્ર ગોસ્વામીને ત્યાં વર્ષ 2012માં એક બિલાડી આવી હતી. જોકે, આ બિલાડીની પ્રવૃત્તિઓએ સમગ્ર પરિવારને ખાતરી આપી કે, તે તેની બહેન છે. જે તેમની પાસે બિલાડીના સ્વરૂપમાં પાછી આવી હતી. ઉપેન્દ્ર ગોસ્વામી માને છે કે, તેની મોટી બહેન મીનાક્ષી, જે વર્ષ 1990ના અંતમાં 18 વર્ષની વયે મૃત્યુ પામી હતી. જે બિલાડીઓને ખૂબ પ્રેમ કરતી હતી. જોકે, તે પરિવારમાં પરત આવી હોવાનો આભાસ થતાં તેઓએ બિલાડીને પોતાના પાસે જ રાખી હતી, ત્યારે પોતાના મકાનની બાજુમાં અલગ પ્લોટ ખરીદીને તેમાં બગીચો શરૂ કર્યો અને ત્યારથી જ ઉપેન્દ્ર ગોસ્વામીએ બિલાડીઓની દેખરેખ શરૂ કરી છે. હાલ તેઓ પાસે 200 જેટલી બિલાડી અને 6 જેટલા શ્વાન પણ છે. જે અહીં બગીચામાં જ હળીમળીને રહે છે.

જોકે, 200 બિલાડીઓ પૈકી ઉપેન્દ્ર ગોસ્વામી પાસે 28 જેટલી પરસિયન જાતિની બિલાડીઓ છે, જ્યારે અન્ય ઇન્ડિયન બ્રીડની બિલાડીઓ છે. અહી કેટલીક બિલાડીઓ મૃત્યુ પણ પામી છે. મૃત્યુ પામેલ બિલાડીઓ માટે સમાધિ સ્થળ બનાવવામાં આવ્યું છે. ઉપેન્દ્ર ગોસ્વામી અને તેમની પત્ની પૂજા ગોસ્વામી તમામ બિલાડીઓનું ધ્યાન રાખે છે. બિલાડીઓને ખવડાવવા માટે સવારે 5 વાગ્યે ઉઠવું પડે છે, જ્યારે તેમના ખોરાક અને સ્વાસ્થ્યથી લઈને દરેક વસ્તુનું ધ્યાન પણ રાખવું પડે છે. આ ઉપરાંત દંપતી દ્વારા દર મહિને 1.5 લાખ રૂપિયાનો ખર્ચ બિલાડીની દેખરેખ પાછળ કરવામાં આવી રહ્યો છે. તો સાથે જ બિલાડીઓ માટે 16 જેટલા રહેવા માટેના પોઇન્ટ, 6 પલંગ, 12 જેટલા પ્રસૂતિ ગૃહ સહિત 2 એર કન્ડીશનર તથા 7 પંખાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે હાલ તો આ કેટ હાઉસ સમગ્ર ગાંધીધામવાસીઓમાં આકર્ષણ કેન્દ્ર બન્યું છે.

Next Story