માધાપરના યુવકને હનીટ્રેપમાં ફસાવી 4 કરોડની ખંડણી માંગી મરવા મજબુર કરવાના કેસમાં છેલ્લા દોઢ વર્ષથી પોલીસ પકડથી નાસતા ફરતા આરોપી મનિષા ગોસ્વામીના પતિ ગજ્જુગીરીને બાતમીના આધારે એલસીબીએ ભચાઉથી ઝડપી પાડ્યો હતો.
માધાપરના દિલીપ ગાગલ નામના યુવકને હનીટ્રેપમાં ફસાવી ખોટી દુષ્કર્મની ફરિયાદ ઉભી કરી 4 કરોડની ખંડણી માગીને મરવા મજબુર કર્યો હોવાના ચકચારી કેસમાં મુખ્ય સુત્રધાર મનિષા ગોસ્વામીના પતિ ગજ્જુગીરી ભીમગીરી ગોસ્વામી રહે વાપી જીલ્લો વલસાડ તેની પત્ની સાથે કોર્ટ કેસના કામે આવતો હોવાની પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળતાં એલસીબીની ટીમે આરોપી ગજ્જુગરીને ભચાઉ ખાતેથી પકડી પાડ્યો હતો.
આ કેસમાં જેતે વખતે પાલારા જેલમાંથી હનીટ્રેપનો સમગ્ર કારસો ઘડીને મનિષાએ તેમના પતિ અને સાગરીતો સાથે મળીને માધાપરના દિલીપ ગાગલને હનીટ્રેપમાં ફસાવ્યો હતો. અમદાવાદની દિવ્યા ચૌહાણએ દિલીપ સામે દુષ્કર્મની ખોટી ફરિયાદ નોંધાવી હતી. અને ચાર કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી. જેને કારણે દિલીપે આપઘાત કરી લીધો હતો. આ કેસમાં મનિષા સહિત મોટા ભાગના આરોપીઓને કોર્ટમાંથી જામીન મળી ગયા છે. ત્યારે દોઢ વર્ષથી નાસતા ફરતા મનિષાના પતિ ગજ્જુગીરીને પોલીસે પકડી પાડ્યો હતો..