શ્રાવણ મહિનો ચાલી રહયો હોવા છતાં દુર દુર સુધી વરસાદના કોઇ એંધાણ નથી. મરૂભુમિ કચ્છમાં વરસાદ નહિ વરસતા માલધારીઓ પશુઓ માટે ઘાસચારા અને પાણીની શોધમાં હિઝરત કરી રહયાં છે ત્યારે કચ્છવાસીઓ મેઘરાજાને મનાવવા માટે યજ્ઞ તથા પ્રાર્થનાઓ કરી રહયાં છે.
કચ્છમાં અષાઢ કોરો ગયા બાદ શ્રાવણ માસમાં પણ હજી સુધી વરસાદ પડ્યો નથી. વરસાદના અભાવે કચ્છનાં લખપતમાં માલધારીઓએ હિજરત પણ શરૂ કરી દીધી છે. શ્રાવણના બીજા સોમવારે અબડાસામાં આવેલા સુપ્રસિધ્ધ પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે પરજન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. યજ્ઞમાં આહુતિ આપી મેઘમહેર માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અબડાસા ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા તથા સંત પરસોતમદાસજી બાપુ સહિતના આગેવાનો યજ્ઞ સમયે હાજર રહયાં હતાં.
અબડાસામાં મેઘરાજાને મનાવવા માટે પરજન્ય યજ્ઞ કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ કચ્છ રાજની 182 વર્ષ જુની પરંપરા પ્રમાણે રૂદ્રાણી જાગીર ખાતે પત્રિવિધિ યોજવામાં આવી હતી. મહારાણીના આદેશથી તેરા ઠાકોર દ્વારા પત્રી ઝીલવામાં આવી હતી. આજના દિવસને કચ્છમાં રા'આઠમ અથવા માઈ આઠમ તરીકે પણ ઓળખવામાં આવે છે. માતાજીના મસ્તક પર પત્રી નામની વનસ્પતિ રાખવામાં આવે છે અને રાજ પરિવારના સભ્ય માતાજીની સામે ખોળો પાથરે છે ત્યારે ડાક વગાડવામાં આવે છે. માતાજી આશીર્વાદ આપી પત્રી ખોળામાં પ્રસાદી રૂપે આપે છે તેને પત્રી વિધિ કહે છે.આ દરમિયાન રાજ પરિવાર દ્વારા માતાજી પાસે કચ્છમાં સારો વરસાદ વરસે તેવી પ્રાર્થના કરાઈ હતી.