મહિસાગર : પ્રિયલ હોસ્પિટલની નર્સ કાળીબેન સંગાડા મુખ્ય સુત્રધાર, ઘરે જ મહિલાઓનો કરતી હતી ગર્ભપાત

સંતરામપુરના શિકારી ફળિયામાં રહે છે કાળીબેન, મહિલાઓના ગર્ભપાતનો વિડીયો થયો હતો વાયરલ.

New Update
મહિસાગર : પ્રિયલ હોસ્પિટલની નર્સ કાળીબેન સંગાડા મુખ્ય સુત્રધાર, ઘરે જ મહિલાઓનો કરતી હતી ગર્ભપાત

મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં ખુલ્લામાં ગર્ભપાત કરવાનો વિડીયો વાયરલ થતાં તંત્ર તેમજ સરકારની આબરૂની લીલામી થઇ હતી. ઘટના બાદ દોડતી થયેલી પોલીસે ગર્ભપાત પ્રકરણમાં બે મહિલાઓની ધરપકડ કરી છે. તેમની પુછપરછમાં પ્રિયલ હોસ્પિટલની નર્સ કાળીબેન મુખ્ય સુત્રધાર હોવાની વિગતો સપાટી પર આવી છે.

સંતરામપુરમાં ખુલ્લામાં મહિલાઓના કરવામાં આવતાં ગર્ભપાતના વિડીયોએ ખળભળાટ મચાવી દીધો છે. દાવાનળની જેમ વાયરલ થયેલાં વિડીયોએ સરકાર તથા તંત્રને દોડતું કરી દીધું છે. પોલીસની તપાસમાં ગર્ભપાતનો ગોરખધંધો સંતરામપુરના શિકારી ફળિયામાં આવેલાં એક મકાનમાં ચાલતો હોવાનું બહાર આવ્યું છે. આ મકાનમાં પ્રિયલ હોસ્પિટલની નર્સ કાળીબેન ભાડેથી રહે છે. મકાનની પાછળના ભાગે સીરીન તથા ડાધાવાળા કપડા પડેલા જોવા મળ્યા હતાં જયારે કાળીબેનના મકાનમાંથી ગર્ભપાત કરાવવા માટે ઉપયોગમાં લેવાતી ગોળીઓ પણ મળી આવી છે. પોલીસે વીડિયોમાં જોવાતી 4 મહિલામાં એક મુખ્ય મહિલા ગર્ભપાત કરાવતી અને અન્ય 3 મહિલાઓને સહાયક બતાવીને તેઓની વિરુદ્ધ ગુનો નોંધ્યો છે.

કાળીબેન સંગાડા અને તેના સાગરિતો ગર્ભવતી મહિલાઓના ગર્ભમાં રહેલાં નવજાત શિશુઓ દુનિયામાં અવતરે તે પહેલાં જ મોતને ઘાટ ઉતારી દેતી હતી. પોલીસે શિકારી ફળિયાના રહીશોની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે, કાળીબેન આ મકાનમાં મહિનામાં બેથી ત્રણ વાર બહારના લોકોને લાવતી હતી. પડોશીઓ પૂછતા તો કાળીબેન બહારથી બહેનપણીઓ આવી હોવાનું જણાવતી હતી. છેલ્લા 3 વર્ષથી કાળીબેન અને તેની સાથેની મહિલાઓ ગર્ભપાત કરીને ગોરખધંધો ચલાવતી હતી. મહિનામાં બેથી ત્રણ વાર ગર્ભપાત કરીને કાળીબેન એક ગર્ભપાતના 10થી15 હજાર લઇને ભ્રુણ હત્યા કરતી હતી. આ પ્રકરણમાં બે મહિલાઓની ધરપકડ કરી લેવામાં આવી છે જયારે મુખ્ય સુત્રધાર કાળીબેન સંગાડાને ઝડપી પાડવાની કવાયત ચાલી રહી છે.

Latest Stories