રાજ્યમાં ચોમાસાએ વિધિવત્ દસ્તક દઇ દીધી છે. છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ છવાયો છે. તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી રહ્યાં છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, તા. 18 જૂનથી વિધિવત્ રીતે ચોમાસુ બેસી જતાં ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મેઘસવારીનું આગમન થયું છે. જેમાં દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની એન્ટ્રી થઈ છે.
તો આવતીકાલે એટલે કે, તા. 19 જૂનના રોજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી તેમજ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં હવામાન વિભાગે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 21 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અમરેલી જિલ્લાના બાબરામાં સવા 2 ઇંચ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ, હળવા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરતા બફારાથી લોકોને રાહત મળી છે.