ઝૂલતો પુલ તૂટતાં 190થી વધુ લોકોના મોત
ઘટનાની તપાસ અર્થે કરાય કમિટીની રચના
બ્રિજના ટેક્નિકલ પાસાઓ અંગે અભ્યાસ કરાયો
સમગ્ર મામલે 9 આરોપીની ધરપકડ કરાય
આરોપીઓને કડક સજા મળે તેવો પ્રયાસ કરાશે
ગત રવિવારનો દિવસ મોરબી માટે ગોઝારો સાબિત થયો છે. મચ્છુ નદી પર બાંધવામાં આવેલો ઝૂલતો પુલ તૂટતાં 190થી વધુ લોકોના મોત થયા છે. આ આંકડો વધી રહ્યો છે, હજુ મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે, ત્યારે મોરબીમાં માતમ છવાયું છે. સ્મશાન હોય કે કબ્રસ્તાન, જ્યાં જુઓ ત્યાં મૃતદેહોને પરિવારજનો અંતિમવિધિ માટે લાવે છે. તો બીજી તરફ રાજ્ય સરકારે આ ઘટનામાં તપાસ કમિટીની રચના કરવામાં આવી છે. મોરબીમાં સવારથી જ આ ટીમ સાથે રહીને પળેપળની વિગતો મેળવી હતી. સવારે તપાસ ટીમ ACPની અધ્યક્ષતામાં બ્રિજ પર પહોંચી હતી. જે જગ્યાએથી કેબલ તૂટ્યો હતો એની બારીકાઈથી તપાસ કરી હતી.
FSLની ટીમ પણ આ તપાસ ટીમની સાથે હતી. આ ટીમે તૂટેલા કેબલની ફોટોગ્રાફી કરી હતી. ત્યારબાદ બ્રિજના ટેક્નિકલ પાસાઓ અંગે પણ અભ્યાસ શરૂ કર્યો હતો. તપાસ કમિટીના સભ્યો 25 મિનિટ તપાસ કરીને સર્કિટ હાઉસ જવા રવાના થયા હતા. મોરબીની ઘટનાથી સમગ્ર ગુજરાત શોકમગ્ન છે, ફરીવાર મચ્છુ નદીમાં અનેક જિંદગીઓ હોમાઈ છે. ગુજરાત પ્રવાસે આવેલા પીએમ મોદી પણ આવતીકાલે મોરબી પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરશે, ત્યારે આજે ઘટનાના બીજા દિવસે રેન્જ આઈજી અશોકકુમાર યાદવે પ્રેસ કોન્ફરન્સ યોજીને જણાવ્યુ હતું કે, આ એક ખૂબ જ દુ:ખદ ઘટના છે. આ મામલે મોરબી પોલીસે 30 તારીખે ફરિયાદ દાખલ કરી 304, 308, 114 મુજબ ગુન્હો નોંધી 9 આરોપીની ધરપકડ કરી છે. ઇન્વેસ્ટિગેશનમાં જેમ જેમ નામ બહાર આવશે તેમ વધુ આરોપીની પણ ધરપકડ કરવામાં આવશે. પોલીસ કોઈને છોડશે નહીં, જે માટે ઉદાહરણરૂપ દાખલો બેસે તેવી તપાસ કરવામાં આવશે. આ સાથે જ આરોપીઓને કડકમાં કડક સજા મળે તેવો પ્રયાસ કરવામાં આવશે તેવું પણ રેન્જ IGએ જણાવ્યુ હતું.