Connect Gujarat
ગુજરાત

મોરબી હોનારત : ઓરેવાના MD જયસુખ પટેલ ભૂગર્ભમાં, 2 દિવસથી પરિવાર સાથે ગાયબ...

મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટી પડતાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો.

મોરબી હોનારત : ઓરેવાના MD જયસુખ પટેલ ભૂગર્ભમાં, 2 દિવસથી પરિવાર સાથે ગાયબ...
X

મોરબીની મચ્છુ નદી પર આવેલો ઝૂલતો પુલ તૂટી પડતાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. આ ઘટનાના બે દિવસ વીત્યા છતાં આ બ્રિજનું સંચાલન કરતી ઓરેવા કંપની માલિક ક્યાં ગાયબ છે? શું ઓરેવાના માલિક અને ઝૂલતા પુલના સંચાલક જયસુખ પટેલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. છેલ્લા 2 દિવસથી જયસુખ પટેલ ક્યાંય દેખાયા નથી.

મોરબીમાં જે પુલનું ઓરેવા ગ્રુપ રિનોવેશન કરાવ્યું અને ઉદઘાટન વખતે મોટી-મોટી વાતો કરી એ પાંચ દિવસમાં જ તૂટી પડ્યો. આ હોનારતમાં 190થી વધુ લોકોના મોત થયા છે. આમ છતાં હજુ સુધી આ હોનારત માટે જવાબદાર ઓરેવા ગ્રુપના જયસુખ પટેલ અથવા તેમના પરિવારમાંથી કોઈએ મૃતકના પરિવારજનો માટે શ્રદ્ધાંજલિના 2 શબ્દ પણ કહ્યા નથી. આખું મોરબી અત્યારે જયસુખ પટેલને શોધી રહ્યું છે, પરંતુ તેમનો કોઈ અતોપતો નથી. મોરબીની હોનારત 2 દિવસ વીત્યા છતાં જયસુખ પટેલ ભુગર્ભમાં છે. મોરબીના ઝૂલતા પુલની હોનારત બાદ પોતાની પોલ ખૂલી જવાની બીકે ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલ પરિવાર સહિત ભૂગર્ભમાં જતા રહ્યા હોવાની વાત છે. હજી 5 દિવસ પહેલાં પોતાના પરિવારમાં જાણે લગ્ન હોય એ રીતે જયસુખ પટેલ પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. આ કોન્ફરન્સમાં ઓરેવા ગ્રુપે કેટલો ખર્ચ કર્યો છે, અને ક્યાં-ક્યાંથી મટીરિયલ લીધું છે. એવી મોટી-મોટી વાતો કરી હતી. પરંતુ 5 દિવસમાં જ ઓરેવા ગ્રુપની નબળી કામગીરીની પોલ ખુલી જતાં જયસુખ પટેલ અને તેમનો પરિવાર ભૂગર્ભમાં જતો રહ્યો હોવાનું મનાય છે. ઓરેવા ફાર્મ અને ઓફીસ પર પણ તાળા લાગેલાં જોવા મળ્યાં છે, ત્યારે સવાલ એ થાય છે કે, આખરે આ જયસુખ પટેલ ક્યાં છે? એક તરફ તપાસનો ધમધમાટ, તો બીજી તરફ જયસુખ પટેલ ફરાર. મોટેભાગે ઓરેવા ફાર્મ હાઉસ પર રોકાતા જયસુખ પટેલ હાલ આ હોનારત બાદ ગાયબ છે.

Next Story