/connect-gujarat/media/post_banners/2033ea2b74d7a09cbe1f1c129f988bd179ceea67bfed95a1fcfdf9197fb43438.jpg)
નર્મદા જિલ્લાના સેલંબા ગામે બજરંગ દળની શૌર્ય જાગરણ યાત્રા ઉપર પથ્થરમારાની ઘટના બાદ સાગબારા પોલીસ મથકે પોતાના ઉપર હુમલો થયો હોવાની ખોટી ફરિયાદ નોંધાવનાર વિધર્મીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા જિલ્લાના સેલંબા ગામે બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં 2 જુથ સામસામે આવી જઈ પથ્થરમારો થતાં ગામમાં કરફ્યુ જેવો માહોલ સર્જાયો હતો. જોકે, પથ્થરમારા બાદ લૂંટફાટની પણ ઘટના બની હતી. જોકે, આ ઘટના બાદ વિધર્મી યુવકે સાગબારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓને કેટલાક બુકાનીધારીઓએ ધમકી આપી છે. ત્યારબાદ વિધર્મીએ બીજી ફરિયાદ નોંધાવી હતી, જેમાં તે પોતાની પુત્રી સાથે જઈ રહ્યો હતો, ત્યારે કેટલાક બાઈકસવાર ઇસમોએ તેની ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો. જેમાં તેની બાળકી અને તેના ઉપર બ્લેડથી હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવ્યુ હતું. જે બાબતે પોલીસે તપાસ કરતાં વિધર્મી યુવકનો આરોપ ખોટો નીકળ્યો હતો. આ યુવક પોતે જ બીજા પાસે ધમકીભર્યા કોલ કરાવતો અને જે હુમલો થયો છે, તેની ખોટી ફરિયાદ પણ નોંધાવી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે પોલીસે ખુલાસો કર્યો કે, આ યુવકે જાતે બ્લેડના ઘા માર્યા હતા, અને ખોટી ફરિયાદ નોંધાવવા બાબતે પોલીસે તેની ધરપકડ કરી છે. હજુ આ ઘટનામાં તેની સાથે કોણ કોણ સંડોવાયેલ છે તે દિશામાં પોલીસે તપાસ વધુ તેજ કરી છે.