નર્મદાના નીર ગુજરાત રાજ્યના છેવાડાના ગામડાઓમાં પહોંચી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોદ્રાણી ગામમાં પણ નર્મદાના નીર પહોંચતા ગ્રામજનોમાં ઉમંગની હેલી જોવા મળી છે. લોદ્રાણીના ગ્રામજનોના મુખ પર ભારે આનંદ અને સંતોષ છવાયો છે.
ભારત-પાકિસ્તાન સરહદથી માત્ર 32 કિલોમીટર દૂર આવેલ આ છે બનાસકાંઠા જિલ્લાનું લોદ્રાણી ગામ... રણનો છેડો અને ખારાશનું પ્રમાણ વધારે હોવાથી અહીં ભૂગર્ભ જળ પણ ખારું આવે છે. હવે નર્મદાના નીર પહોંચવાથી પીવાના પાણીની સાથે સાથે સિંચાઇની સમસ્યાઓનો કાયમી અંત આવશે. આ ગામની 3 હજારથી વધુ ગાયને ચરાવતા માલધારીના મુખે સાંભળો કે, મા નર્મદાના નીર પહોંચતા કેવી રીતે બદલાવ આવ્યો છે.
લોદ્રાણી ગામની વાત કરીએ, તો આ ગામમાં આશરે 2 હજાર જેટલી વસ્તી છે. અહીના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે પોતાનો જીવન નિર્વાહ કરે છે. ઉનાળાના સમયમાં અહીં પીવાના અને સિંચાઇની સમસ્યા રહેતી હતી. હવે ગામનું તળાવ નર્મદાના નીરથી ભરવામાં આવતાં ગ્રામજનો, ખેડૂતો સહિત પશુ-પંખીઓને પીવાનું પાણી મળી રહેશે. જોકે, ચાલુ રવિ સિઝનમાં લોદ્રાણીના તળાવને પણ નર્મદાના નીરથી ભરવામાં આવતા લોદ્રાણી સહિત આજુબાજુની ખેતી લાયક જમીનમાં પિયતનો લાભ થયો હોય, ત્યારે સાચા અર્થમાં નમામી દેવી નર્મદેનો હેતુ સિધ્ધ થયો છે.