કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકરે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામે નિર્માણ પામી રહેલા દેશના પ્રથમ અમૃત સરોવરનું ખાતમુહૂર્ત કરી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવ દરમ્યાન દેશમાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી સમસ્યાઓને હલ કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમૃત સરોવર પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે.
જેને લઈને કેન્દ્રીય વિદેશ મંત્રી ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકરે નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના લાછરસ ગામે "અમૃત સરોવર પ્રોજેક્ટ"ની મુલાકાત લીધી હતી. કેન્દ્રીય વિદેશ મંત્રીએ પૂજન-અર્ચન કરી લોકોને આ પાણીથી ખૂબ ફાયદો થશે અને જમીનમાં પાણીના સ્તર પણ ઉંચા આવશે તેવી વાત કરી હતી.
જોકે, દેશના તમામ રાજ્યોમાં 7500થી વધુ જિલ્લાઓમાં 50 હજારથી વધુ સ્થળોને અમૃત સરોવર પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જ્યાં યુદ્ધના ધોરણે કામગીરીઓ ચાલી રહી છે, ત્યારે કેન્દ્રીય મંત્રી ડૉ. સુબ્રમણ્યમ્ જયશંકરે લાછરસ ગામની મુલાકાતે પહોચી તળાવની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત આ ગામમાં જળ સંચયથી ઘણો લાભ થશે અને સ્થાનિકો પણ તંત્રને સહકાર આપે તેવી અપીલ કરી હતી.