/connect-gujarat/media/post_banners/6ac70416fce0e9c7410ebecc7f3f53c013af52fd024ff1b114cc6d65f4cc2b78.jpg)
નર્મદા જિલ્લાની એક માત્ર સિવિલ હોસ્પિટલને GMERS સાથે સંલગ્ન કરાયાં બાદ મેડિકલ કોલેજની મંજૂરી આપતાં પહેલાં આરોગ્ય વિભાગના અધિકારીઓના ઇન્સપેક્શન દરમિયાન નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને ડમી દર્દીઓ તરીકે બતાવવાનો ખેલ સિવિલ સત્તાધીશોએ કર્યો હોવાનો પર્દાફાશ થયો છે.
રાજપીપળા ખાતે આવેલી અને 100 વર્ષ કરતાં વધારે જૂની સિવિલ હોસ્પિટલનું હાલની હોસ્પિટલથી એક કિલોમીટરના અંતરે આવેલી આર્યુવેદિક કોલેજની ઇમારતમાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલને ગુજરાત મેડિકલ એન્ડ રિસર્ચ સેન્ટર (GMERS) સાથે સંલગ્ન કરી દેવામાં આવી છે. રાજય સરકારના આ પગલાંથી સિવિલ હોસ્પિટલની નામનામાં વધારો જરૂર થશે પણ આ પહેલાં સત્તાધીશોના એક ખેલના કારણે હોસ્પિટલ વિવાદમાં આવી છે. રાજપીપળાની સિવિલ હોસ્પિટલ પણ હવે મેડિકલ કોલેજ સંલગ્ન GMERS હોસ્પિટલ તરીકે ઓળખાશે.સિવિલ હોસ્પિટલને મેડિકલ કોલેજની મંજુરી આપતાં પહેલાં આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ રાજપીપળાની સિવિલ હોસ્પિટલના ઇન્સપેકશન માટે આવી હતી. નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ આવી રહયાં છે અને તેમની અદ્યતન સારવાર થઇ રહી છે તે બતાવવા માટે સત્તાધીશોએ મોટો ખેલ કર્યો હતો. જીતનગર પાસે આવેલી નર્સિંગ કોલેજના 29 જેટલા છાત્રોને દર્દી બતાવી તેમને હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ વિદ્યાર્થીઓને અલગ અલગ વોર્ડમાં દર્દી તરીકે બેડ પર સુવડાવી દેવામાં આવ્યાં હતાં. સિવિલ હોસ્પિટલમાં બનેલી ઘટનાએ ફીલ્મ મુન્નાભાઇ એમબીબીએસની યાદ અપાવી દીધી હતી. આ ફીલ્મમાં દર્દીઓની સાથે ડોકટરો પણ નકલી હતાં જયારે રાજપીપળાની સિવિલમાં ડોકટરો અસલી પણ દર્દીઓ નકલી હતાં. આ અંગે સીવલ સર્જન ડો.જ્યોતિ ગુપ્તાએ જણાવ્યુ હતું કે સિવિલ હોસ્પિટલમાં ડમી દર્દીઓની વાત ઉપજાવી કાઢવામાં આવી છે. હાલમાં હોસ્પિટલને એક બિલ્ડિંગમાંથી બીજી બિલ્ડિંગમાં લઇ જવામાં આવી રહી હોવાથી નર્સિંગના વિદ્યાર્થીઓને મદદ માટે બોલાવાયાં હતાં. આ ઉપરાંત દર્દીઓને કેવી રીતે સારવાર આપવી તેની તાલીમ પણ વિદ્યાર્થીઓને આપવામાં આવી રહી હોવાથી તેમને બેડ પર સૂવડાવવામાં આવ્યાં હતાં.