Connect Gujarat
ગુજરાત

નસવાડી : પત્નીને ભગાડી ગયેલાં યુવાનની પતિએ કરી કરપીણ હત્યા, કેલીયા ગામનો બનાવ

પરણિતાને ગામનો યુવાન ભગાડી ગયો હતો, પ્રેમી પંખીડાઓ 10 દિવસથી જંગલમાં ભટકતાં હતાં.

X

છોટાઉદેપુરના નસવાડી તાલુકાના કેલિયા ગામે પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે. પત્નીને ભગાડી ગયેલાં યુવાનનું પતિએ માથામાં પથ્થર મારી ઢીમ ઢાળી દીધું છે.

નસવાડી તાલુકાના કેલિયા ગામમાં રહેતાં ગણપત ભીલની નજર ગામની જ પરણિત યુવતી સાથે આંખો મળી જતાં બંને ભાગી ગયાં હતાં. છેલ્લા 10 દિવસથી તેઓ જંગલ વિસ્તારમાં ભટકતાં ફરતાં હતાં. ગણપત અને યુવતીને ગામના કેટલાક યુવાનોએ ખેતરની ઓરડીમાં જોયા હતાં. આ ઘટનાની જાણ પરણિતાના પતિને પણ થઇ હતી. પરણિતાનો પતિ જયંતિ રાત્રિના સમયે ખેતરની ઓરડી પર પહોંચ્યો હતો. જયાં તેણે પત્ની તથા ગણપતને માર મારવાની શરૂઆત કરી હતી.

પતિનો ગુસ્સો જોઇ પત્ની ત્યાંથી ભાગી છુટી હતી. રાતના અંધકારમાં જયંતિ અને ગણપત વચ્ચે ખુની ખેલ ખેલાયો હતો. જયંતિએ ગણપતને માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગણપતની હત્યા કરી જયંતિ ગામમાં ગયો હતો અને ગણપતના પિતા અને કાકાને હત્યાની જાણ કરી હતી. પિતા અને કાકાએ ખેતરમાં જઇને જોતાં ગણપત લોહીલુહાણ હાલતમાં પડયો હતો. ઘટના બાદ જયંતિ ફરાર થઇ ગયો છે. મૃતકના પિતા રાયસિંગની ફરીયાદના આધારે પોલીસે જયંતિ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. ફરાર આરોપીને ઝડપી પાડવા માટે વિવિધ ટીમ બનાવવામાં આવી છે.

Next Story
Share it