નકલી પોલીસ બની લોકોમાં રોફ જમાવતા શખ્સની ધરપકડ
દાંડીના દરિયા કિનારે કપલ પાસેથી પૈસા પણ ખંખેરતો હતો
લેભાગુ તત્વોથી સાવધાન રહેવા લોકોને પોલીસ દ્વારા અપીલ
નવસારી જિલ્લામાં ઐતિહાસિક દાંડીના દરિયા કિનારે નકલી પોલીસ બની યુવક-યુવતીઓ પાસેથી પૈસા ખંખેરતા અને લોકોમાં રોફ જમાવતા શખ્સની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નવસારી જિલ્લામાં ઐતિહાસિક દાંડીના દરિયા કિનારો સહેલાણીઓનું ફરવા માટે જાણીતું સ્થળ બન્યું છે, અહીં મોટી સંખ્યામાં યુવક યુવતીઓ બેસી સમય પસાર કરે છે. આ તકનો લાભ ઉઠાવી કેટલાક લેભાગુ તત્વો પોલીસનો રોફ જમાવી પૈસા ખંખેરે છે. આવો જ એક વધુ બનાવ સામે આવ્યો છે. જેમાં નકલી પોલીસની જલાલપુર પોલીસે ધરપકડ કરી છે.
દાંડીના દરિયા કિનારે અમલસાડ રહેતો યુવાન તેની મિત્ર યુવતી સાથે બીચ ઉપર બેઠો હતો. તેવામાં એક શખ્સ આવ્યો હતો, અને પોતાની ઓળખાણ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી હોવાની આપી રૌફ જમાવવા લાગ્યો હતો. આ શખ્સે પહેલા તો યુવક યુવતીને ધમકાવ્યા હતા, અને ત્યારબાદ મામલાની પતાવટ પેટે 11 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જોકે, રકઝક બાદ મામલો 300 રૂપિયામાં પત્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ દાંડીના દરિયા કિનારે ફરજ બજાવતા હોમગાર્ડને થઈ હતી. જેથી હોમગાર્ડના જણાવ્યા મુજબ આ મામલાની તપાસ એરુ ચાર રસ્તા પોલીસ ચોકીના જમાદાર રાજુ મહાલેને સોંપવામાં આવી હતી.
જેથી પોલીસે વોંચ ગોઠવીને આ શખ્સને ઝડપી લીધો હતો. જેનું નામ સરનામું પુછતાં તે નવસારીના વિજલપોરના શનેશ્વરનગર ખાતે રહેતો બ્રિજભૂષણ રામનાથ રાય હોવાનું જણાવ્યું હતું. જોકે, 4 મહિના અગાઉ પણ આવી જ રીતે દાંડીના દરિયા કિનારે નકલી પોલીસ બની પૈસા ખંખેરતા હોવાની ફરિયાદને લઈ જલાલપુર પોલીસે કાર્યવાહી કરી હતી, અને હવે ફરી એક વખત પોલીસે બ્રિજભૂષણ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.