નવસારી સેશન્સ કોર્ટમાં થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ પર આરોપીએ કોર્ટ કાર્યવાહી દરમિયાન છુટ્ટો પથ્થર ફેંક્યો હતો. જોકે, સબનસીબે મહિલા જજને પથ્થર વાગ્યો નહોતો. આ વાત કોર્ટ પરિસરમાં ફેલાતા આરોપી પર ફિટકાર વરસવા સાથે નવસારી બાર એસોસિએશને સમગ્ર ઘટનાને વખોડી હતી.
વર્ષ 2019ના મારામારી કેસના આરોપી ધર્મેશ ઉર્ફે સુખદેવ ઉર્ફે કાળીયો ગુલાબ રાઠોડ કે, જે મૂળ સુરતમાં રહે છે. તેણે નવસારીના કબીલપોર રહેતા લોકો સાથે મારામારી કરી હતી, અને 326 કલમના ગુનાના કામે તેના ઉપર કેસ કાર્યરત છે, જે પૈકી આજે સવારે નવસારી સેશન્સ કોર્ટમાં થર્ડ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ જજ એ.આર.દેસાઈ ઉપર કોર્ટ કાર્યવાહી કરવા દરમિયાન ખીસામાંથી પથ્થર કાઢીને છૂટો ફેંક્યો હતો. જોકે, સદનસીબે એ પથ્થર દિવાલ ઉપર ટકરાયો હતો, અને મહિલા જજનો બચાવ થયો હતો. આ સમગ્ર ઘટના બનતા કોર્ટ પરિસરમાં આ ઘટનાને લઈને નિંદા કરવામાં આવી છે. અગાઉ પણ આ જ આરોપીએ એમ.એ.શેખ નામના જજ ઉપર ચપ્પલ વડે હુમલો કર્યો હતો, જોકે, ત્યારે પણ જજને ચંપલ વાગતા બચ્યું હતું. તો બીજી તરફ, સમગ્ર મામલે જેલ જાપ્તાની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે.