આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા મહત્વપૂર્ણ પગલું
ગુજરાત કેમિકલ પોર્ટ-દહેજ દ્વારા રૂ. 2.42 કરોડનું યોગદાન
વિવિધ હોસ્પિટલોને આધુનિક સાધનો અને વિભાગો મળ્યા
આરોગ્યલક્ષી વિવિધ સુવિધાઓનો શુભારંભ કરવામાં આવ્યો
કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ રહ્યા વિશેષ ઉપસ્થિત
નવસારી જિલ્લામાં આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે. કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં આરોગ્યલક્ષી સુવિધાઓનો શુભારંભ કરવામાં આવ્યો છે.
નવસારી જિલ્લાના ગ્રામ્ય અને તાલુકા સ્તરની હોસ્પિટલોમાં લાંબા સમયથી આધુનિક સુવિધાઓની જરૂરિયાત અનુભવાતી હતી. જોકે, હવે ગુજરાત કેમિકલ પોર્ટ-દહેજ દ્વારા રૂ. 2 કરોડ 42 લાખનું યોગદાન જાહેર થતાં આરોગ્ય ક્ષેત્રે મોટું પગલું ભરાયું છે. જેના થકી નવસારી જિલ્લાની વિવિધ હોસ્પિટલોને આધુનિક સાધનો અને વિભાગો મળશે, ત્યારે વિવિધ આરોગ્યલક્ષી સુવિધાઓનો નવસારીના સાંસદ, ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો છે.
જેમાં ચીખલી હિસ્ટ્રીક હોસ્પિટલમાં સર્જરી વિભાગ માટે, આંખ વિભાગ માટે વિવિધ અદ્ધતન સાધનો આપવામાં આવ્યા છે. નવસારી હોસ્પિટલ માટે રૂ. 25 લાખના ખર્ચે આંખના ઓપરેશન માટે ફેકો મશીન ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાંસદા કોટેજ હોસ્પિટલમાં ઓર્થો વિભાગ માટે ડિજિટલ એક્સ-રે મશીન અને લેબોરેટરી વિભાગ માટે અદ્ધતન ઉપકરણો આપવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોર્પોરેટ સોશ્યિલ રિસ્પોન્સિબીલિટીના ભાગરૂપે આ તમામ ઉપકરણો નવસારી જિલ્લાને ફાળવવામાં આવ્યા છે. આ નવા ઉપક્રમો આરોગ્ય ક્ષેત્રે મોટો ફેરફાર લાવશે. વધુમાં ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓને હવે મોટા શહેરોમાં દોડધામ કર્યા વગર જ સ્થાનિક સ્તરે યોગ્ય સારવારની સુવિધાઓ મળવા જઈ રહી છે.