નવસારી તાલુકાના પૂર્ણા નદીના કાંઠે આવેલા મોલધરા ગામે દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ, પોતાના મોંઘા પશુઓને બચાવવા માટે ગ્રામજનો પોતે રાત્રે જાગીને ગામમાં પહેરો ભરવા મજબૂર બન્યા છે
નવસારી જિલ્લામાં ફરી એકવાર ચાર પગનો આતંક જોવા મળ્યો હોય તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નવસારી નજીક આવેલા મોલધરા ગામમાં છેલ્લા કેટલાક દિવસોથી દીપડાના આંટાફેરાના પગલે ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. જોકે, રાત્રે 8:00 વાગ્યા બાદ દીપડો ગામમાં આંટાફેરા મારતો દેખાતા ગ્રામજનોના જીવ તાળવે ચોંટયા છે. ખૂંખાર દીપડાએ ગામમાં અનેક મરઘાં, બકરા અને શ્વાનનો શિકાર કર્યો હોવાનું પણ સામે આવ્યું છે, ત્યારે પોતાના મોંઘા પશુઓને બચાવવા માટે મોલધરાના ગ્રામજનો પોતે રાત્રે જાગીને પહેરો ભરવા મજબૂર બન્યા છે. તો બીજી તરફ, દીપડાના આંટાફેરાની વાત નવસારી વન વિભાગને પણ કરવામાં આવી છે, ત્યારે વન વિભાગ દ્વારા મોલધરા ગામે પાંજરું મુકી દીપડાને પકડવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.