ખેરગામના રૂમલા ગામે ગત મોડી રાત્રે ચોરીની ઘટના
રૂમલા ગામે એક સાથે 5થી વધુ દુકાનના તાળા તૂટ્યા
CCTV ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાય
નવસારી જિલ્લાના ખેરગામ તાલુકાના રૂમલા ગામે ગત મોડી રાત્રે એક સાથે 5થી વધુ દુકાનના તાળા તૂટતા પોલીસ દ્વારા કરવામાં આવતા નાઈટ પેટ્રોલિંગ ઉપર સવાલ ઊભા થયા છે. નવસારી જિલ્લામાં રીઢા ગુનેગારોને જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ એક બાદ એક ચોરી, ધાડ તેમજ લૂંટની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે ખેરગામ તાલુકાના રૂમલા ગામે ગત મોડી રાત્રે 6થી 7 દુકાનના તાળા તૂટ્યા હોવાની ઘટના સામે આવી છે.
જેમાં અજાણ્યા તસ્કરો કેટલીક દુકાનોમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો બીજી તરફ, મોબાઇલની દુકાનમાંથી નવા મોબાઈલ અને એસેસરીઝની પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે, ચોરી ચોરી કરવા આવેલા 2 અજાણ્યા તસ્કરોની તમામ કરતૂત દુકાન બહાર લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. એક સાથે 5થી વધુ દુકાનના તાળા તૂટતા પોલીસની નાઈટ પેટ્રોલિંગ ઉપર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે.