Connect Gujarat
ગુજરાત

નવસારી: દુધાળા પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનો આતંક, પશુપાલકોમાં ફફડાટ

નવસારી જિલ્લાના પશુપાલકોમાં ફફડાટ, દુધાળા પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝ જોવા મળ્યો.

X

નવસારી જીલ્લામાં દુધાળા પશુઓમાં લમ્પી સ્કીન ડીસીઝનો આકડો વધી રહ્યો છે. જીલ્લામાં ૨ લાખ પશુઓમાંથી ૧૫ હજાર જેટલા પશુમાં આ રોગ ફેલાયો છે. ડીસીઝ વાળા પશુઓનું દૂધ ડેરીમાં ભરવામાં આવતું નથી. જેના કારણે પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે. પહેલા આ રોગ એક જ તાલુકામાં હતો પરંતુ હવે ૩ તાલુકામાં ફેલાઈ ચુક્યો છે. જેને લઇ પશુપાલન વિભાગ ચિંતામાં મુકાયો છે.

દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં આજે પણ ઘણા લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય ઉપર નિર્ભર છે.પશુપાલનના પૂરક વ્યવસાય થકી આર્થિક રીતે ઘણા પરિવારો પગભર થયા છે પરંતુ હાલમાં નવસારી જિલ્લાના અનેક તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પશુઓમાં લમ્પી સ્કીન ડિસીસ નામના રોગે હાહાકાર મચાવ્યો છે. સમગ્ર જીલ્લામાં આ રોગે ભરડો લીધો છે ત્યારે ખેરગામ વિસ્તારોમાં છેલ્લા બે માસથી લમ્પી સ્કીન ડિસીસ નામના રોગના પેસારાથી પશુપાલકો ભયથી ફફડી રહ્યા છે.

ખેરગામ તાલુકામાં આ રોગ પહેલીવાર જોવા મળ્યો છે. ખાસ કરીને ગાયમાં આ રોગ વધુ ફેલાય છે. જેમાં પહેલા તાવ આવે છે અને પછી શરીર પર ગુમડા નીકળીને ચાંદાં પડે છે.છેલ્લા 2 મહિનાથી આ રોગ ઝડપથી ફેલાઈ રહ્યો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં અંધશ્રદ્ધા વધુ ફેલાયેલી હોય છે ત્યારે લોકો પશુઓને બચાવવા માટે અંધશ્રદ્ધાના રવાડે પણ ચડ્યા જોકે સરકારી પશુ દવાખાનાના ડોક્ટરે ઘણા લોકોને સમજાવી પશુઓનું ઈલાજ કરતા ઘણા પશુઓ સારા પણ થયા છે.આ રોગ માં પશુને તાવ આવે છે અને શરીરે ગુમડા જોવા મળે છે સાથે જ પશુ દૂધ ઓછું આપતું થઈ જાય છે જેથી આવા લક્ષણો જો પશુમાં દેખાય તો પશુપાલકે ગભરાવાની જગ્યાએ નજીકના પશુચિકિતસ્ક ની સલાહ લઈ રોગ થી પશુઓને બચાવી શકાય.

સામાન્ય રીતે આ રોગમાં અસરગ્રસ્ત પશુઓને અન્ય પશુઓથી અલગ બાંધવું જોઈએ એવું પશુ ચિકિત્સકો સલાહ આપી રહ્યા છે અને આ રોગમાં મૃત્યુદર સૌથી ઓછું જોવા મળી રહ્યું છે આ રોગના કારણે જિલ્લામાં હાલ એક પણ પશુનું મૃત્યુ નોંધાયું નથી પરંતુ રોગની જાણ થતાં યોગ્ય સમયે સારવાર આપવામાં આવતા તમામ પશુઓ સારા થઈ જાય છે. આ રોગ માટે નજીકના પશુ ચિકિત્સાલય માં વિનામૂલ્યે સારવાર પશુઓને આપવામાં આવે છે પરંતુ રોગનું પ્રમાણ વધતાં પશુપાલન સાથે સંકળાયેલા લોકોની ચિંતામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

Next Story