અદાવતના અહંકારે વેરનું વાવેતર કરી ઝેર ઓક્યું હોય તેવી આશંકાઓ ઉભી કરતી હત્યાનો બનાવ નવસારી શહેરના ઘેલખડી વિસ્તારમાં બન્યો છે. વર્ષ 2017માં થયેલી હત્યાનો બદલો ગત રવિવારની રાત્રીએ 6 ઈસમોએ લીધો હતો. જેમાં શૈલેષ પરમાર નામના વ્યક્તિનું તીક્ષ્ણ હથિયારોથી કાસળ કાઢી નાખ્યું હતું, ત્યારે ગણતરીના કલાકોમાં જ પોલીસે 4 શકમંદોને દબોચી લીધા છે.
વર્ષ 2017માં ઘેલખડી વિસ્તારમાં ગેંગવોર ચરમસીમા પર હતો. નાના મોટા ઝઘડાઓની રોજબરોજ ઘટનાઓ પણ બનતી હતી, ત્યારે નવરાત્રીના સમયમાં ગરબા રમવાની બાબતમાં છમકલું થયું હતું. જેમાં નિલેશ વમન નામના યુવકની હત્યા થઈ હતી. હત્યાની ઘટનામાં 5 ઈસમોની સંડોવણી બહાર આવી હતી. જેમાં મુખ્ય આરોપી તરીકે હાલ હત્યા થયેલ શૈલેષ પરમારનું નામ બહાર આવ્યું હતું. જે અંગે મૃતક સજા પણ ભોગવી રહ્યો હતો.
જોકે, સમાધાન થતાં મોટી રકમ પણ આપવામાં આવ્યા હોવાની વાતો બહાર આવી છે. પરંતુ ગત રાત્રીએ હત્યાનો બદલો હત્યાથી લેવાનું મનોમન નક્કી કર્યું હોય એમ 6 આરોપીએ તીક્ષ્ણ હથિયારો સાથે શૈલેષ પરમાર પર તૂટી પડતા મોતને ઘાટ ઉતારીને પલાયન થયા હતા. જોકે, 2 રીક્ષામાં આવેલા 6 આરોપી પૈકી 4 આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 2 ફરાર આરોપીઓને પણ વહેલી તકે ઝડપી લેવા માટે કવાયત હાથ ધરી છે.