Connect Gujarat
ગુજરાત

નવસારી : બાળકો માટે "જોખમ", નગરપાલિકાના બગીચાઓમાં કટાઈને સડી ગયેલા રમત-ગમતના સાધનો..!

જૂના બગીચાઓમાં રમત-ગમતના સાધનો બાળકો માટે જોખમી 8 જેટલા ગાર્ડનમાં સાધન સંદર્ભે નાના ફેરફાર કરવામાં આવશે

X

બાળકોને ભણતર સાથે રમતનું મહત્વ સમજાવવું આજના જમાનાની માંગ બની છે, ત્યારે રમત-ગમત માટે બગીચાઓ બાળકના વિકાસમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. નવસારી પાલિકા દ્વારા શહેરમાં 2 આધુનિક બગીચાઓનું નિર્માણ કરવાનો નિર્ણય કરાયો છે. પરંતુ જૂના બગીચાઓ બાળકો માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. નવસારી નગરપાલિકા હતી, ત્યારે શહેરમાં નાના મોટા 11 ગાર્ડનો હતા. જેમાં 4 લેકફ્રન્ટ ગાર્ડનોનો પણ સમાવેશ થાય છે. જોકે, હવે વિજલપોરને પણ નવી પાલિકામાં સમાવતા વધુ 2 ગાર્ડનો વધ્યા છે. આમાના કેટલાક ગાર્ડનોમાં હવે સુધારની જરૂરિયાતની ઉભી થઈ છે. નગરપાલિકાએ શહેરમાં આવેલ 9 જેટલા ગાર્ડનોમાં નાના સુધાર કરવાનો નિર્ણય લીધો છે. આ ગાર્ડનોમાં વાજપેયી ગાર્ડન, તુલસીવન, સ્નેહસાગર, બાલ ક્રીડાગણ, વિજલપોરનું આંબેડકર ઉદ્યાન અને વીરાંજલી ઉદ્યાન ઉપરાંત દુધિયા તળાવ અને ટાટા તળાવ સ્થિત લેકફ્રન્ટ ગાર્ડનનો સમાવેશ થાય છે. આ ગાર્ડનોમાં જરૂરિયાત મુજબ સાધનોની મરામત અને જગ્યા મુજબ નવા સાધન પણ મુકવામાં આવશે. આ ઉપરાંત 2 ગાર્ડનોની તો કાયાપલટ કરવાનો નિર્ણય લીધો છે. જેમાં લુન્સીકૂઈ સ્થિત સિરવાઈ પાર્ક અને ફુવારા સ્થિત જ્યુબિલી ગાર્ડનનો સમાવેશ થાય છે. વધુ કામ સિરવાઈ પાર્કમાં કરાશે, જ્યાં સ્કેટિંગ રિંગ મોટી કરવી, પાથ-વે, લાઇટિંગ, પ્લાન્ટેશન વગેરે કામગીરી કરવામાં આવશે.

જોકે, જુના ગાર્ડનની જાળવણીમાં પાલિકા નિષ્ફળ સાબિત થઈ છે. પાલિકા હદ વિસ્તારમાં આવતા જુના બાગ-બગીચા ખખડધજ હાલતમાં થઈ ગયા છે. પાલિકા દ્વારા ગત વર્ષે ૧૦ લાખથી વધુના ખર્ચે અમુક ગાર્ડનમાં નવા સાધનો મુકવામાં આવ્યા હતા. પરંતુ પાલિકાની જાળવણીના અભાવના કારણે ફરીથી તૂટી ગયા છે. જેને લઇને લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે પાલિકા ફરી એકવાર ૮૩ લાખ રૂપિયા ખર્ચીને ગાર્ડનનોની નવી કાયાપલટ કરવા જઈ રહી છે. નવસારી અને વિજલપોર વિસ્તારના તળાવો ફરતે બ્યુટીફિકેશનના કામો થયા જ છે. પરંતુ નગરપાલિકામાં ભળેલ 8 ગામના વિસ્તારોમાં ખાસ ગાર્ડનો નથી, ત્યારે અહીંના તળાવોનો વિકાસ કરી બ્યુટીફિકેશન પણ કરાયું નથી. જોકે, હવે પાલિકાએ ઉક્ત વિસ્તાર ભણી પણ નજર દોડાવી રહી છે, સાથે બગીચાઓમાં રમત-ગમતના સાધનો પુરા પાડવા અને બાળકોની સુરક્ષાને ઘ્યાનમાં રાખવાની જરૂરિયાત છે.

Next Story