સરપંચની ચૂંટણીથી લઈને સાંસદની ચૂંટણી રાજકીય કાવાદાવાઓ વચ્ચે ખેલાતો જંગ બની રહે છે. કોઈ હારે તો, કોઈનો વિજય થાય. 2 હરીફ ઉમેદવારો વચ્ચે વૈમનસ્યની દીવાલો ઉભી થતી હોય છે. જે એક દિવસ વેર વારવા આતુર બની જતી હોય છે, ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા નવસારી જિલ્લાના વાંસદાના ધારાસભ્ય પર હુમલો થતા ચકચાર મચી ગઈ હતી.
ગ્રામ પંચાયતની ચૂંટણીને હવે માત્ર ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે પંચાયતમાં પોતાનો દબદબો મેળવવા માટે તમામ રાજકીય પાર્ટીના લોકો એડીચોટીનું જોર લગાવતો હોય છે, ત્યારે વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ પણ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉનાઈના ચરવી ગામના પટેલ ફળિયામાં મિટિંગ કર્યા બાદ પરત ફરતી વેળાએ ગામના જ 5 જેટલા ઈસમો દ્વારા ધારાસભ્યની કારને નિશાન બનાવવામાં આવ્યું હતું. જેમાં કારની પાછળનો કાચ તોડી નાખતા મામલો ગંભીર બન્યો હતો. ધારાસભ્ય પર હુમલો થતાની વાત વાયુવેગે પ્રસરી જતાં આદિવાસી સમાજના આગેવાનો મહિલાઓ અને ધારાસભ્ય જાતે વાંસદા પોલીસ મથકે આવી પહોંચી વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તમામ આરોપીઓને ઝડપી લેવાની માંગ કરી હતી.
જોકે, ધારાસભ્ય અનંત પટેલ દ્વારા આ અંગે કોઈપણ ફરિયાદ આપવામાં આવી નથી, ત્યારે વિરોધ કરી રહેલા ધારાસભ્ય અને સમર્થકોને પોલીસ દ્વારા સમજાવીને ફરિયાદ આપવા અંગે વારંવાર કહેવામાં આવ્યું હતું. બનાવની ગંભીરતાને જોઈ તાલુકામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. સાથે જ ઘટનાની જાણ થતા નાયબ પોલીસ અધિક્ષક સહિતનો પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવી આરોપીઓને પકડવાની તજવીજ હાથ ધરી હતી.