Connect Gujarat
ગુજરાત

નવસારી: વાંસદામાં પુત્રએ આપઘાત કરતા માતાપિતાએ પણ નજીક જ વૃક્ષ પર લટકી જીવનલીલા સંકેલી

નવસારી: વાંસદામાં પુત્રએ આપઘાત કરતા માતાપિતાએ પણ નજીક જ વૃક્ષ પર લટકી જીવનલીલા સંકેલી
X

નવસારી જિલ્લના વાંસદામાં પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી હોવાની ઘટના બહાર આવી છે. પ્રાથમિક માહિતી અનુસાર કોરોનાની સારવાર બાદ માનસિક રીતે અસ્થિર થયેલા યુવકે આંબાના ઝાડ પર લટકીને આપઘાત કર્યો હતો. કલાકો સુધી પુત્રની કોઇ ભાળ ન મળતા માતા-પિતાએ શોધખોળ આદરી હતી. જે દરમિયાન પુત્રનો મૃતદેહ જોઇ માતા-પિતા શોકમાં ગરકાવ થઇ ગયા હતા અને જે ઝાડ પર પુત્રએ આપઘાત કર્યો તેની નજીક જ માતા-પિતાએ પણ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું.

બનાવની જાણ થતાં મોળાઆંબા ગામ અને વાંસદા તાલુકામાં અરેરાટી વ્યાપી ગઇ છે. વાંસદા તાલુકાના મોળાઆંબા ગામમાં ગોપજી ઘોટાળ રહેતા હતા અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક વર્ષ પહેલા પુત્ર યોગેશને કોરોના થયો હતો અને તેની સારવાર કરવામાં આવી હતી. જોકે સારવાર બાદ યોગેશ માનસિક રીતે અસ્થિર થઇ ગયો હતો અને ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

માતા-પિતાએ તેને આપઘાત કરતા રોક્યો હતો અને આ બાબતે સતત તકેદારી રાખતા હતા. જાણે કે વિધિના લેખ કોઇ બદલી શકતું ન હોય તેમ પરિવારની નજર ચૂકવીને ઘરથી થોડે દૂર આંબાના ઝાડ પર ગળાફાંસો ખાઈ યોગેશે જીવન ટૂંકાવી લીધું હતું. કલાકો સુધી પુત્રની કોઇ ભાળ ન મળતા માતા-પિતા તેની શોધખોળ કરવા લાગ્યા હતા. જે દરમિયાન ઘરની નજીક જ આંબા પરથી પુત્રની લાશ મળી આવી હતી.

પુત્રના મૃતદેહને જોઇને માતા-પિતા આઘાતમાં સરી ગયા હતા અને પુત્રના મૃતદેહ નજીક અલગ-અલગ ડાળી પર ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.માતા-પિતા અને ભાઈએ ફોન રિસિવ ન કરતા દીકરી ચિંતામાં મુકાઇ ગઈ હતી. તેથી તેણે શોધખોળ કરતા માતા-પિતા અને ભાઈનો મૃતદેહ મળી આવતા સમગ્ર હકિકત બહાર આવી હતી. આપઘાતની આ ઘટનાથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો. મૃતક યોગેશભાઈની પત્ની અને 3 વર્ષની દીકરીના કલ્પાંતથી વાતાવરણમાં ગમગીની છવાઇ હતી.

Next Story