New Update
નવસારીના આદિવાસી બહુલ વાંસદામાં પરંપરાગત પરિધાન, વાજિંત્રો અને નૃત્ય સાથે ભવ્ય રેલી કાઢી રંગેચંગે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોંગી ધારાસભ્ય અનંત પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી જિલ્લામાં આદિવાસી સંગઠનો સાથે આગેવાનો દ્વારા ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસને ઉજવવામાં આવે છે. આજે પણ આદિવાસી સંસ્કૃતિની અસ્મિતા, સંસ્કૃતિના સંવર્ધનમાં જતનાના સંદેશ સાથે નવસારીના વાંસદાના કુકણા સમાજ ભવન ખાતેથી આદિવાસી પરંપરાગત વેશભૂષામાં સજ્જ સાંસ્કૃતિક વાજિંત્રોના નાદ અને તાલે નૃત્ય કરતા કરતા ભવ્ય રેલી કાઢી હતી. કોંગી ધારાસભ્ય અનંત પટેલ, આદિવાસી સમાજના નેતાઓની આગેવાનીમાં ઉત્સાહ અને ઉમંગ સાથે આદિવાસી વાંસદાના રાજમાર્ગો પરથી નાચતા-કૂદતા ગાંધી મેદાનમાં પહોંચ્યા હતા.
આ પ્રસંગે વાંસદા ધારાસભ્ય અનંત પટેલ દ્વારા સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. આદિવાસીઓ ઉપર થતા અત્યાચારને લઈને ધારાસભ્ય અનંત પટેલે પોતાની નારાજગી દર્શાવી હતી. તાજેતરમાં કેવડીયા ખાતે બે આદિવાસી યુવાનોના મોત થયા હતા, જે સંદર્ભે પણ તીખી પ્રક્રિયા આપી હતી.