/connect-gujarat/media/post_banners/b7daf83ea0a8b2328d081e2568b598fd11d401f67fe9ce3d44f1a90b14c73992.jpg)
‘બિપરજોય’ વાવાઝોડું પાકિસ્તાન તરફથી ગુજરાતના જખૌ તરફની દિશામાં ફંટાયું છે, ત્યારે દેશના પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કરી દેતા ફરી કચ્છ અને ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધવા પામ્યું છે.
છેલ્લા કેટલાક દિવસોથી અરબી સમુદ્રમાં પેદા થયેલા અને તીવ્ર ચક્રવાતમાં બદલાઈ ગયેલા બિપરજોય વાવાઝોડું ગુરુવારે રાત સુધી ઉત્તરી-પશ્ચિમી દિશા તરફ આગળ વધતું હતું, એટલે કે, તે પાકિસ્તાનથી ઈરાન અને ઓમાનની દિશા તરફ વળશે તેવા અંદેશાને તમામ મોડ્યુલ સમર્થન આપી રહ્યા હતા. પરંતુ રાતોરાત દરિયામાં જ બિપરજોયે પોતાનો માર્ગ બદલીને ઉત્તર-પશ્ચિમની જગ્યાએ ઉત્તર-પૂર્વીય કરી લેતા ફરી ગુજરાતનું હવામાન વિભાગ સાવચેત થયું છે. જેના કારણે સૌરાષ્ટ્ર-કચ્છ અને આસપાસના જિલ્લાઓમાં આગામી તા. 11થી 14 જુન વચ્ચે 80થી 100 કિમીની ઝડપે તેજ પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે. જેથી પોર્ટ પ્રશાસન દ્વારા આજથી વિશેષ ચક્રવાત કંટ્રોલ રૂમથી શરૂઆત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જેમાં સિગ્નલ સ્ટેશન, પોર્ટ પ્રશાસન અને વિભાગીય વડાઓ, રાજ્ય સરકાર અને સ્થાનિક પ્રશાસન સાથે તાલમેલ રાખીને પરિસ્થિતિઓ અનુસાર સહુને દિશા-નિર્દેશ આપવા અને માહિતીઓનું આદાન પ્રદાન કરીને સહુને સચેત કરવાનો પ્રયાસ કરશે. કેન્દ્રીય હવામાન ખાતાની સૂચનાના પગલે સૌરાષ્ટ્રમાં ડિઝાસ્ટર વિભાગે આગોતરું આયોજનની તૈયારી શરૂ કરી દીધી છે. ઉપરાંત જરૂર પડે તો, દરિયા કાંઠા વિસ્તારોમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાવવા માટે પણ તંત્રને એલર્ટ કરી દેવાયું છે. આગામી 24 કલાકમાં અરબી સમુદ્રમાં આકાર પામેલ બિપરજોય વાવાઝોડાના કારણે થનારી અસરના પગલે દરિયો તોફાની બનવાની સંભાવના વચ્ચે રાજ્યના વિવિધ દરિયા કાંઠા વિસ્તારોમાં તંત્ર સજ્જ બન્યું છે.