Connect Gujarat
ગુજરાત

પાકિસ્તાન સરકારે 80 ભારતીય માછીમારોને કર્યા મુક્ત, માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ

3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ ગીર સોમનાથ અને વડોદરા પંથકના કેટલાક બંદીવાન માછીમારો આજરોજ વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચ્યા

X

દિવાળીના તહેવાર વચ્ચે પાકિસ્તાન સરકારનો નિર્ણય

3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ માછીમારોને મુક્ત કર્યા

ઉમદા નિર્ણયથી માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ

દિવાળીના તહેવાર નિમિત્તે પાકિસ્તાન સરકારે માનવતા દાખવી છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ ગુજરાતના 80 જેટલા માછીમારોને મુક્ત કરાતા તેઓ વડોદરા ખાતે આવી પહોચ્યા હતા, જ્યાં માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. પાકિસ્તાન સરકારે લગભગ 80 જેટલા ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે. આ માછીમારોની ગુજરાતના વિવિધ દરિયાઈ ભાગોમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આ માછીમારોને પંજાબની અટારી વાઘા સરહદે ભારતીય સરહદમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી. આ દરમિયાન માછીમારોનો કબ્જો મેળવી લેવા માટે ગુજરાત સરકારના વિવિધ વિભાગોની ટીમ હાજર રહી હતી,



ત્યારે છેલ્લા 3 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ ગીર સોમનાથ અને વડોદરા પંથકના કેટલાક બંદીવાન માછીમારો આજરોજ વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે આવી પહોચ્યા હતા, જ્યાં તેઓના પરિવારજનો તેમજ સગા-સંબંધીઓએ ઉપસ્થિત રહી ભવ્ય સ્વાગત કર્યું હતું. એક તરફ લાગણીસભર દ્રશ્યો તો બીજી તરફ, પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવા માટે માછીમારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અંગે ફિશરીઝ ડિપાર્ટમેન્ટના આસિસ્ટન્ટ ડાયરેક્ટરે જણાવ્યુ હતું કે, પાકિસ્તાન સરકારે 80 ભારતીય માછીમારોને મુક્ત કર્યા છે, જેઓને અટારી-વાઘા બોર્ડરથી ભારતમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. દિવાળીના તહેવાર વચ્ચે પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોને મુક્ત કરવાના નિર્ણયથી માછીમારોના પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2019-20માં પણ ઘણા માછીમારો પકડાયા હતા.

Next Story