મન હોય તો માળવે જવાય પંક્તિને ખરા અર્થમાં પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂતે સાર્થક કરી બતાવી છે. ખેડૂતે પોતાની 15 વીઘા જમીનમાં બાગાયતી ખાતાની સહાય અને માર્ગદર્શન થકી દાડમના 3 હજાર છોડનું વાવેતર કરી સરકારની યોજનાઓનો લાભ મેળવી આર્થિક ઉન્નતીની કેડી કંડારી છે.
પંચમહાલ જિલ્લાના અન્ય ખેડૂતો માટે શહેરા તાલુકાના ઉજડા ગામના પ્રગતિશીલ ખેડૂત હિતેશ પટેલ પ્રેરણાસ્ત્રોત બન્યા છે. ચાલુ વર્ષ દરમ્યાન તેમના ખેતરમાં દાડમનો પાક ઝૂમી રહ્યો છે. વર્ષો પહેલા તેમણે બનાસકાંઠા જિલ્લા ખાતે દાડમની આધુનિક ખેતી જોઈને પોતે મનમાં નક્કી કર્યું હતું કે, મારે પણ આ પદ્ધતિથી દાડમની ખેતી કરવી છે. આ માટે તેમણે જિલ્લા બાગાયત વિભાગનો સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવી તે દિશામાં નક્કર યોજના બનાવીને કામગીરી હાથ ધરી હતી. જે બાદ તેઓએ વર્ષ 2020માં આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી 3 હજાર ભગવાસિંદુરી જાતના દાડમના રોપા લઈ આવીને વાવેતર કર્યું હતું. આ વાવેતર પાછળ તેમને અંદાજીત રૂ. 4 લાખનો ખર્ચ થયો હતો. જેમાં જિલ્લા બાગાયત વિભાગના સહયોગથી સરકારની ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો સહાય યોજના હેઠળ 55 ટકા સહાય અંતર્ગત 70 હજાર રૂપિયાની સહાય મેળવી હતી. આ સાથે તેમણે ટ્રેક્ટર ઓપરેટ દવા છાંટવાના પંપમાં પણ રૂ. 50 હજારની સહાય મેળવી હતી. જોકે, ખેતરમાંથી ચાલુ વર્ષે અંદાજીત 10ટન જેટલું દાડમનું ઉત્પાદન મળશે, જેમાં તેઓ 4 લાખના ખર્ચ સામે અંદાજીત રૂ. 20 લાખની આવક મેળવશે. એટલું જ નહીં, દાડમના 1 છોડ પર 15થી 20 કિલો દાડમનું ઉત્પાદન મળશે તેવી ખેડૂતને આશા છે. જેથી કહી શકાય કે, જવે ખેડૂતો બાગાયતી ખેતી તરફ વળીને આર્થિક રીતે સમૃદ્ધ બની રહ્યા છે.