Connect Gujarat
ગુજરાત

"સાથ જીયેંગે, સાથ મરેંગે" : પંચમહાલના નાડા ગામે પ્રાથમિક શાળામાં પ્રેમી પંખીડાએ ખાધો ગળે ફાંસો

શહેરા તાલુકાના નાડા ગામે યુવક-યુવતીએ કર્યો આપઘાત, પ્રાથમિક શાળામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર.

X

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાડા ગામની મુખ્ય પ્રાથમિક શાળામાં ગામના જ યુવક-યુવતીએ દોરડા વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાં જ શાળા ખાતે લોકોના ટોળાં ઉમટી પડ્યા હતા. હાલ તો ઘટના અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર, શહેરા તાલુકા નાડા ગામમાં રહેતા યુવકને ગામમાં જ રહેતી યુવતી સાથે આંખ મળી જતા બન્ને વચ્ચે પ્રેમસબંધ બંધાયા હતા. જોકે, સમાજ તેમના પ્રેમને સ્વીકારે નહીં તેવો બન્નેને ડર સતાવતો હતો, ત્યારે બન્નેએ ફાની દુનિયાને અલવિદા કરવા માટે ગત શનિવારની રાત્રિએ નાડા ગામમાં આવેલ મુખ્ય પ્રાથમિક શાળામાં મળ્યા હતા. ત્યારબાદ પ્રાથમિક શાળાના પહેલા માળે લોખંડની પાઈપ પર દોરડું બાંધી ગળે ફાંસો ખાઈને એક બીજાને એક થવા માટે પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું, ત્યારે ગત રવિવારની સવારે શાળા નજીકથી પસાર થતા સ્થાનિકને બન્ને પ્રેમી પંખીડાના મૃતદેહ લટકેલી હાલતમાં જોવા મળતા બૂમાબૂમ કરી હતી.

બૂમાબૂમ સાંભળી આજુબાજુમાંથી પણ લોકોના ટોળાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સમગ્ર બનાવની જાણ તાલુકા પોલીસ મથક ખાતે કરવામાં આવી હતી, જેને લઇ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોચી ગયો હતો. પોલીસે પ્રેમી પંખીડાના મૃતદેહને સ્થાનિક લોકોની મદદથી નીચે ઉતારી પોસ્ટમોર્ટમ અર્થે તાલુકા બ્લોક હેલ્થ કચેરી ખાતે ખસેડ્યા હતા. હાલ તો યુવક-યુવતીએ કયા કારણસર આપઘાત કર્યો કે, પછી બન્નેની હત્યા તો નથી કરવામાં આવીને તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Next Story