બહુધા વૃક્ષોને શાખાઓ હોય, પણ મધ્ય ગુજરાત માટે પર્વતરાજ અને આખા દેશના શ્રધ્ધાળુઓ માટે પવિત્ર શક્તિપીઠ એવો પાવાગઢ પર્વત ભુજાઓ જેવી ટેકરીઓની શાખાઓ ધરાવે છે. ખીણથી વિભાજીત થઈને વિસ્તરેલી પાવાગઢની આવી જ એક શાખા, માઈ મંદિરની બિલકુલ પાછળ આવેલો અને ઊંધી રકાબી જેવું ભૂતલ ધરાવતો નવલખા કોઠાર વિસ્તાર છે. અહીં ઇતિહાસની ધરોહર જેવા અવશેષો સચવાયા છે, પણ ડુંગરની ટોચ બહુધા બોડી છે. હા,ચોમાસામાં માથોડા ઊંચું ઘાસ અવશ્ય ઉગી નીકળે છે.
આ પ્રાચીન માઈ મંદિરના અદભુત નવીનીકરણના પ્રેરક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વાળ વગરના બોડા માથા જેવા ડુંગરના આ વિસ્તારને વૃક્ષો ઉછેરીને હરિયાળો બનાવવાનું એક અઘરું ગૃહકાર્ય વન વિભાગને સોંપ્યું છે. અને એ લેશન પૂરું કરવા વન વિભાગ એક આજ્ઞાંકિત વિદ્યાર્થિની જેમ કામે લાગી ગયું છે. કુદરતની એક મહેર જેવું પ્રાચીન તળાવ આ કામમાં આશીર્વાદ રૂપ બન્યું છે, અને ગોધરા વન વિભાગે આ તળાવ અને કૂવાના અમૃતજળની મદદથી, પાઈપોનું જાળું પાથરીને ટપક સિંચાઇથી વૃક્ષો ઉછેરવાનું શરુ કર્યું છે. આ પટ્ટામાં જુદી જુદી દેશી પ્રજાતિઓના 11 હજાર રોપા વાવીને વૃક્ષ ઉછેર હાથ ધરવામાં આવ્યો છે, અને પંચમહાલ જિલ્લાના પરિશ્રમી આદિવાસી શ્રમિકોની મદદથી ઘણાં પડકારો વચ્ચે આ કામ કરવામાં આવી રહ્યું છે. આ વનીકરણ ગોધરા વન વિભાગના નાયબ વન સંરક્ષક એમ.એલ.મીનાના માર્ગદર્શન હેઠળ કાર્યકારી સહાયક વન સંરક્ષક એસ.એસ.બારીયા અને ફોરેસ્ટર તથા વન સહાયકોની ટીમ કરી રહી છે. આ પટ્ટામાં વૃક્ષ ઉછેરની દેખરેખ રાખતા બીટગાર્ડ પંકજ ચૌધરી કહે છે કે, અહીં દૂધવાળા વૃક્ષો એટલે કે વડ, પીપળા, કરમદા, જમીન સંરક્ષક કેતકીના રોપા વાવીએ છે. જે જમીન સાથે ઝડપથી ચોંટી જવાનો ગુણ ધરાવે છે. ટપક સિંચાઇથી આ ઉબડ-ખાબડ વિસ્તારમાં પાણી આપવાનું કામ સરળ બન્યું છે. જોકે, પડકારો પણ ઘણાં છે. શાહુડીનું આ વિસ્તાર કુદરતી રહેઠાણ છે. એ ઘણીવાર પાઇપો કાપી નાખે છે. કુમળા છોડનું કુમળું થડ ચાવી જાય છે. એટલે રોજે રોજે નિરીક્ષણ કરીને બધું સરખું કરવું પડે છે. તેઓ કહે છે, આ વિસ્તારમાં મારા દૈનિક આંટાફેરાનો સરવાળો કરીએ તો સરેરાશ દશ કિલોમીટર થાય. શ્રમિકો આકરા તાપમાં ટપક સિંચાઇની પાઇપો સરખી કરવાનું, નવા રોપા માટે ખાડા ખોદવાનું કામ કરતાં જોવા મળે છે. પરિશ્રમ ની વચ્ચે તપેલા ખડક પર મજેથી બેસી મકાઈના રોટલા અને મરચાના બપોરા કરે છે, ત્યારે લાગે કે સુખ કે દુઃખ એ તો મનની અનુભૂતિ છે, બાકી તમે કોઈપણ પરિસ્થિતિમાં ચાહો મોજ કરી શકો છો. પાવાગઢની ખીણોમાં હરિયાળી છે, પરંતુ ટોચ બહુધા બોડી છે. વન વિભાગ પડકારો વચ્ચે એને લીલી કરવા પ્રયત્ન કરી રહ્યો છે.