ખેડૂત અને પોપટની અનોખી મિત્રતા
ખેડૂતે પોપટનું "મીતુ"નામ રાખ્યું
મીતુ સાથે લાગણીસભર સંબંધ બંધાયો
ખેડૂતના ખભા પર બેસીને નિભાવે છે મિત્રતા
ખેડૂત અને પોપટની મિત્રતા ચર્ચાનું કેન્દ્ર બની
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેળવા ગામના નારણ શાર્દુલભાઈ સાવધરીયાને ‘મીતુ’ નામના પોપટ સાથે ગાઢ લાગણીસભર સંબંધ બંધાયો છે. નારણભાઈ ચાલીને જાય કે બાઈક લઈને નીકળે,મીતુ તરત જ તેમના ખભા ઉપર આવીને બેસી જાય છે.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેળવા ગામમાં માણસ અને પોપટની એવી અનોખી મિત્રતા જોવા મળી છે કે જે ભાગ્યે જ નજરે પડે. લોકો સામાન્ય રીતે શ્વાન-બિલાડી કે પશુઓ સાથેની મિત્રતા જુએ છે, પરંતુ અહીં તો એક માનવી અને પોપટ વચ્ચેની આત્મીય દોસ્તી સૌને આકર્ષી રહી છે.
વેળવા ગામના નારણ સાર્દુલભાઈ સાવધરીયાને ‘મીતુ’ નામના પોપટ સાથે ગાઢ લાગણીસભર સંબંધ બંધાયો છે. નારણભાઈ ચાલીને જાય કે બાઈક લઈને નીકળે, મીતુ તરત જ તેમના ખભા ઉપર આવીને બેસી જાય છે. આ બંનેની મિત્રતા હવે આખા ગામમાં પ્રખ્યાત બની ગઈ છે.
નારણભાઈ ખેતી કરે છે. આશરે છ માસ પહેલા તેમની વાડીએ પોપટનું એક બચ્ચું મળ્યું હતું. કદાચ તે પોતાની માતાથી વિખૂટું પડી ગયું હતું. નારણભાઈએ ઘણી શોધખોળ કરી પરંતુ પોપટની મા મળી નહીં. ત્યારબાદ માનવતા નિભાવી નારણભાઈએ પોપટના બચ્ચાને સાચવવાનું નક્કી કર્યું હતું.
નારણભાઈએ મીતુને ખવડાવ્યું, પાણી આપ્યું અને પોતાના સંતાન સમાન કાળજી લીધી. સમય જતાં બંને વચ્ચે એવી લાગણી બંધાઈ ગઈ કે આજે મીતુ નારણભાઈ વિના એક ક્ષણ પણ રહેતું નથી. છ માસમાં આ સંબંધ મજબૂત મિત્રતામાં બદલાઈ ગયો છે.
નારણભાઈ રાત્રિના સમયે આ મીતુ નામના પોપટને પાંજરામાં રાખે છે, જ્યારે દિવસ દરમિયાન તેને ખુલ્લું મૂકે છે. નારણભાઈ જ્યાં કામે જાય ત્યાં મીતુ પણ તેમની સાથે જ રહે છે. માણસ અને પોપટ વચ્ચેની આ અનોખી દોસ્તી આજે વેળવા ગામમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.